ભારતે ઓસ્ટ્રેલિયા સામે ચોથી T20Iમાં શાનદાર જીત નોંધાવી. ક્વીન્સલેન્ડના કેરારા ઓવલમાં રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 48 રનથી હરાવ્યું અને 5 મેચની T20I સિરીઝમાં 2-1ની લીડ મેળવી. હવે સિરીઝની 5મી અને અંતિમ મેચમાં ટીમ ઈન્ડિયા લીડને 3-1 સુધી વધારવાનો પ્રયાસ કરશે.
ચોથી T20Iમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે સમગ્ર ટીમની પ્રશંસા કરી. તેને કહ્યું કે આ સમગ્ર ટીમની જીત છે જેમાં દરેક ખેલાડીએ પોતાની ભૂમિકા સારી રીતે ભજવી.
સૂર્યકુમાર યાદવે જીત માટે બેટ્સમેનના કર્યા વખાણ
કેપ્ટને કહ્યું કે જીત માટે બધા બેટ્સમેન શ્રેયને પાત્ર છે, ખાસ કરીને અભિષેક શર્મા અને શુભમન ગિલ. પાવરપ્લેમાં તેઓએ જે રીતે શરૂઆત કરી તે શાનદાર હતી. તેમને ઝડપથી ખ્યાલ આવ્યો કે આ 200થી વધુની પિચ નથી અને તેમને તે મુજબ રમતને અનુકૂલિત કરી. દરેક ખેલાડીએ યોગદાન આપ્યું, તે એક ટીમ પ્રયાસ હતો.
તેને કહ્યું કે બોલરોએ પણ પરિસ્થિતિઓને અનુરૂપ અનુકૂલન સાધ્યું, ખાસ કરીને જ્યારે મેદાન પર ઝાકળ પડવાનું શરૂ થયું. અમારા બોલરોએ જે રીતે તેમની લાઈન અને લેન્થમાં ફેરફાર કર્યો તે ઉત્તમ હતું. કેપ્ટને એમ પણ કહ્યું કે ટીમમાં ઘણા બોલરો છે જે જરૂર પડ્યે 2, 3 કે 4 ઓવર ફેંકી શકે છે, અને આ કોમ્બિનેશન અમને અનુકૂળ છે.
સૂર્યકુમાર યાદવે વધુમાં કહ્યું કે કેટલાક દિવસોમાં વોશિંગ્ટન સુંદર 4 ઓવર ફેંકે છે, જ્યારે અન્ય દિવસોમાં શિવમ દુબે અથવા અર્શદીપ સિંહ ઓછી ઓવર ફેંકે છે. તે બધું પરિસ્થિતિ પર આધાર રાખે છે. ટીમનો દરેક ખેલાડી જરૂર પડ્યે ટીમ માટે આગળ વધવા અને પ્રદર્શન કરવા માટે તૈયાર છે.
ફાઈનલ મેચની રાહ જોઈ રહ્યા છે ફેન્સ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 સિરીઝની અંતિમ અને પાંચમી મેચ 8 નવેમ્બરે બ્રિસ્બેનના ગાબામાં રમાશે. ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને સિરીઝ 3-1થી જીતવાનો ટાર્ગેટ રાખશે. આ દરમિયાન યજમાન ઓસ્ટ્રેલિયા સિરીઝ 2-2થી બરાબર કરવાનો ટાર્ગેટ રાખશે.