લોર્ડ્સમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધી ગયું છે. રિષભ પંતની ઈજાને કારણે ભારતીય ટીમ પહેલાથી જ ચિંતિત છે. આકાશદીપ પણ ટેસ્ટના ચોથા દિવસે ઈજાગ્રસ્ત થયો છે. આકાશ મેદાનની બહાર લંગડાતો જતો જોવા મળ્યો.
ટેસ્ટ મેચના મહત્વપૂર્ણ દિવસે આકાશ શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો અને તેને હેરી બ્રુકની મોટી વિકેટ પણ લીધી. આકાશદીપની ઈજા કેટલી ગંભીર છે તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ આ સમાચાર ટીમ ઈન્ડિયા માટે બિલકુલ સારા નથી. રિષભ પંત પહેલાથી જ ઈજાગ્રસ્ત છે અને ધ્રુવ જુરેલ તેની જગ્યાએ વિકેટકીપિંગ કરી રહ્યો છે.
ટીમ ઈન્ડિયાનો અન્ય એક ખેલાડી થયો ઘાયલ
ટીમ ઈન્ડિયા માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે, પહેલાથી જ રિષભ પંતની ઈજાથી હેરાન છે. ટીમનો મહત્વપૂર્ણ ફાસ્ટ બોલર આકાશદીપ ઈજાગ્રસ્ત થયો છે. મીડિયા રિપોર્ટ મુજબ આકાશદીપ લંગડાતા લંગડાતા મેદાન છોડીને ડ્રેસિંગ રૂમમાં પરત ફર્યો. આકાશને બાઉન્ડ્રી લાઇન પર ફિઝિયો સાથે વાત કરતા પણ જોવા મળ્યો અને તે પીડામાં હોવાનું જણાતું હતું.
ચોથા દિવસના પહેલા સેશનમાં આકાશે સારી બોલિંગ કરી અને દુનિયાના નંબર વન બેટ્સમેન હેરી બ્રુકને ક્લીન બોલિંગ કરીને પેવેલિયન પરત મોકલ્યો. એજબેસ્ટન ટેસ્ટમાં આકાશદીપ ટીમ ઈન્ડિયાનો ટ્રમ્પ કાર્ડ સાબિત થયો અને બંને ઈનિંગમાં કુલ 10 વિકેટ લીધી. આકાશદીપની ઈજા કેટલી ગંભીર છે તે હજુ સુધી જાણી શકાયું નથી.
રિષભ પંત પણ પહેલાથી જ છે ઈજાગ્રસ્ત
આકાશદીપ પહેલા રિષભ પંત ઈજાગ્રસ્ત છે. વિકેટકીપિંગ કરતી વખતે રિષભ પંતના હાથમાં એક બોલ વાગ્યો હતો, જેના પછી તેને મેદાન છોડવું પડ્યું. ધ્રુવ જુરેલે પહેલી ઈનિંગમાં પણ રિષભ પંતની જગ્યાએ વિકેટકીપિંગ કર્યું હતું અને ધ્રુવ જુરેલ બીજી ઈનિંગમાં પણ વિકેટકીપરની ભૂમિકા ભજવી રહ્યો છે. ભારત માટે સારી વાત એ છે કે રિષભ પંત પહેલી ઈનિંગમાં બેટિંગ કરવા આવ્યો હતો. પરંતુ રિષભ પંતને હજુ પણ મેડિકલ ટીમની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે.