એન્ડરસન-તેંડુલકર ટ્રોફી પૂર્ણ થયા પછી ICC એ હવે નવી ટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે. જેમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. ભારતીય સુપરસ્ટાર જસપ્રીત બુમરાહ હજુ પણ નંબર 1 પર છે.
ઈંગ્લેન્ડના ગુસ એટકિન્સનને પણ ઘણો ફાયદો થયો છે. આ નવી રેન્કિંગમાં ઓવલ ટેસ્ટના હીરો મોહમ્મદ સિરાજને સૌથી વધુ ફાયદો થયો છે. સુપરસ્ટાર રવિન્દ્ર જાડેજાને નવી ટેસ્ટ રેન્કિંગમાં મોટું નુકસાન થયું છે.
ICC રેન્કિંગમાં મોહમ્મદ સિરાજને થયો મોટો ફાયદો
ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે કેનિંગ્ટન ઓવલ ટેસ્ટમાં કુલ 9 વિકેટ લીધી હતી. જેના કારણે ટીમ ઈન્ડિયાને શાનદાર જીત મળી. મોહમ્મદ સિરાજ હવે નવા ICC ટેસ્ટ રેન્કિંગમાં 12 સ્થાનનો ફાયદો મેળવ્યો છે. મોહમ્મદ સિરાજ હવે 27મા સ્થાનથી 15મા સ્થાને પહોંચી ગયો છે.
રવિન્દ્ર જાડેજાને 3 સ્થાનનું નુકસાન થયું છે. જેના કારણે તે હવે 14મા સ્થાનથી 17મા સ્થાને જોવા મળે છે. 2 સ્થાનના ફાયદા સાથે ઈંગ્લેન્ડના ગુસ એટકિન્સન હવે 11માં સ્થાને પહોંચી ગયો છે. ન્યુઝીલેન્ડના મેટ હેનરીએ ઝિમ્બાબ્વે સામે સારું પ્રદર્શન કર્યું હતું, જેના કારણે તે હવે 4મા સ્થાને પહોંચી ગયો છે.
પ્રસિદ્ધ કૃષ્ણાને પણ થયો મોટો લાભ
ICCના નવા ટેસ્ટ રેન્કિંગમાં ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા પણ 25 સ્થાન આગળ આવી ગયો છે. જેના કારણે તે હવે 59મા નંબરે જોવા મળે છે. 6 સ્થાનના નુકસાન સાથે ફાસ્ટ બોલર આકાશદીપ હવે 57મા ક્રમે જોવા મળે છે.
સ્પિન ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર પણ 6 સ્થાનના નુકસાન સાથે 52મા નંબરે પહોંચી ગયો છે. ઈંગ્લેન્ડનો જોશ ટંગ 14 સ્થાનના ફાયદા સાથે 46મા નંબરે પહોંચી ગયો છે. આખી સિરીઝ માટે આરામ કરનાર કુલદીપ યાદવ 28મા ક્રમે યથાવત છે.