ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. આ ટેસ્ટ સિરીઝમાં ડ્યુક્સ બોલની ક્વોલિટી પર ઘણાં સવાલો ઉભા થયા છે. બોલનો આકાર ટૂંક સમયમાં જ બદલાઈ જાય છે, વારંવાર બોલ બદલવાને લઈને ઉભા થયેલા વિવાદને કારણે હવે આ બોલ બનાવતી કંપનીએ આ મામલે તપાસ કરવાનો નિર્ણય લીધો છે.
ડ્યુક્સ બોલ બનાવતી કંપની બ્રિટિશ ક્રિકેટ બોલ્સ લિમિટેડના માલિક દિલીપ જાજોદિયાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું છે કે ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ દ્વારા પરત મોકલેલા તમામ ઉપયોગમાં લેવાયેલા બોલની તપાસ કરવામાં આવશે. તેમને વધુમાં કહ્યું કે અમે તે તમામ વપરાયેલા બોલનું નિરીક્ષણ કરીશું, નિર્માણ ટીમ સાથે ચર્ચા કરીશું અને જો જરૂર પડશે તો ફેરફાર પણ કરીશું.
30 ઓવરની અંદર બોલ થઈ જાય છે ખરાબ
આ સિરીઝમાં અત્યાર સુધી ઘણીવાર મેદાન પર એમ્પાયરને બોલ બદલવો પડ્યો છે કારણે લગભગ 30 ઓવરની અંદર જ બોલની ચમક અને તેનો પ્રભાવ બદલાઈ જાય છે. માત્ર ખેલાડીઓ જ નહીં પરંતુ તેનાથી મેચની ગતિ પર પણ અસર પડે છે. શુભમન ગિલ અને ઈંગ્લેન્ડના પૂર્વ દિગ્ગજ ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડે બોલની ગુણવત્તા પર નારાજગી વ્યક્ત કરી હતી.
ટેસ્ટ ક્રિકેટમાં અલગ અલગ દેશોમાં અલગ અલગ બોલનો ઉપયોગ કરવામાં આવે છે. ઈંગ્લેન્ડમાં ડ્યુક્સ, ભારતમાં એસજી અને ઓસ્ટ્રેલિયમાં કુકાબૂરા બોલનો ઉપયોગ કરવામાં આવે છે. ડ્યુક્સ બોલનું નિર્માણ 1760થી થઈ રહ્યું છે, પરંતુ હાલમાં તેની ક્વોલિટીને લઈને ટેસ્ટ અને કાઉન્ટી ક્રિકેટમાં આલોચના થઈ રહી છે.
ECBએ પરત મોકલ્યા બોલ
ડ્યુક્સ બોલના વિવાદ વચ્ચે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે આ અઠવાડિયાના અંત સુધી તમામ ઉપયોગમાં લીધેલા બોલને નિર્માતા કંપનીને સોંપવાનો નિર્ણય લીધો છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે બોર્ડ બોલની ગુણવત્તાને લઈને ગંભીર છે. ઈંગ્લેન્ડ હાલની સિરીઝમાં 2-1 થી આગળ છે. ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે ચોથી મેચ માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં રમાશે. આ પરિસ્થિતિમાં ડ્યુક્સ બોલનું નિરીક્ષણ સિરીઝની બાકી મેચમાં અસર પાડી શકે છે.