ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ 14 નવેમ્બરે કોલકાતામાં રમાઈ રહી છે. સાઉથ આફ્રિકાના બેટ્સમેનો પહેલા દિવસે સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા, તે 159 રન પર ઓલઆઉટ થઈ રહ્યા. ભારત તરફથી જસપ્રીત બુમરાહે શાનદાર પ્રદર્શન કર્યું, 5 વિકેટ લીધી.


પહેલા દિવસની રમતના અંત સુધીમાં ભારતે 37/1નો સ્કોર કર્યો હતો, પરંતુ બીજા દિવસે પણ ભારતીય બેટ્સમેનોએ નિરાશાજનક પ્રદર્શન કર્યું. ટીમનો કોઈ પણ બેટ્સમેન શાનદાર ઈનિંગ રમી શક્યો નહીં.

બીજા દિવસે ભારતની નિરાશાજનક બેટિંગ

બીજા દિવસે ભારતના કોઈ પણ બેટ્સમેન સારું પ્રદર્શન કરી શક્યા નહીં. ઓપનર યશસ્વી જયસ્વાલ પહેલા દિવસે 27 બોલમાં 12 રન બનાવીને આઉટ થયો. ત્યારબાદ બીજા દિવસે કેએલ રાહુલ પ્રભાવિત કરવામાં નિષ્ફળ ગયો, તેને 119 બોલમાં 39 રન બનાવ્યા. વોશિંગ્ટન સુંદર પણ સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયો, તેને 82 બોલમાં 29 રન બનાવ્યા. કેપ્ટન શુભમન ગિલ 3 બોલમાં 4 રન બનાવીને રિટાયર્ડ હર્ટ થયો.


ત્યારબાદ રિષભ પંત અને રવિન્દ્ર જાડેજા 27-27 રન બનાવીને આઉટ થયા. આમ ભારતીય ટીમ બીજા દિવસે પહેલી ઈનિંગમાં 62.2 ઓવરમાં 189 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. સાઉથ આફ્રિકા તરફથી સાઈમન હાર્મરે 4 વિકેટ લીધી, જ્યારે માર્કો યાન્સને 3 વિકેટ લીધી.

ભારતે 30 રનની લીડ મેળવી

ભારતે પહેલી ઈનિંગમાં 30 રનની લીડ મેળવી હતી. જવાબમાં સાઉથ આફ્રિકાએ ફરીથી નિરાશાજનક પ્રદર્શન કર્યું. ઓપનર રાયન રિકેલ્ટન 23 બોલમાં 11 રન અને એડન માર્કરામ 23 બોલમાં 4 રન બનાવીને આઉટ થયા. વિઆન મુલ્ડર પણ 11 રન બનાવીને આઉટ થયો, જ્યારે ટોની ડી જોર્ઝી 2 રન બનાવીને પરત ફર્યો.

 બીજા દિવસની રમતના અંત સુધીમાં સાઉથ આફ્રિકાએ 35 ઓવર પછી 7 વિકેટ ગુમાવીને 93 રન બનાવી લીધા હતા. બીજા દિવસે ભારત માટે રવિન્દ્ર જાડેજાએ શાનદાર પ્રદર્શન કર્યું. તેને 13 ઓવરમાં 29 રન આપીને 4 વિકેટ લીધી.

  • Follow us on: