ભારતીય ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની ODI સિરીઝમાં વ્યસ્ત છે. આ પછી ભારતીય ટીમ યજમાન દેશ સામે પાંચ T20 મેચ પણ રમશે. ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ODI અને T20 બંને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
હાર્દિક પંડ્યાની ઈજાને કારણે નીતિશને આ તક મળી. નીતિશે પર્થમાં ODI ડેબ્યૂ પણ કર્યું હતું, જ્યાં તેમને ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા દ્વારા તેની ડેબ્યૂ કેપ આપવામાં આવી હતી.
હાર્દિક પંડ્યા ફરશે પરત?
ઓસ્ટ્રેલિયા પ્રવાસની વચ્ચે ભારતીય ટીમ માટે સારા સમાચાર આવ્યા છે. હાર્દિક પંડ્યા તેની ઈજામાંથી સ્વસ્થ થવાની આરે છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે સાઉથ આફ્રિકા સામેની ODI અને T20 સિરીઝ માટે ફિટ થઈ જશે. એશિયા કપ 2025ની ફાઈનલ પહેલા હાર્દિકને ડાબા પગમાં ઈજા થઈ હતી, જેના કારણે તે ફાઈનલમાં ભાગ લઈ શક્યો ન હતો. આ ઈજાને કારણે તે સમગ્ર ઓસ્ટ્રેલિયા પ્રવાસ ગુમાવી ચૂક્યો છે.
ભારતીય ટીમના મુખ્ય સિલેક્ટર અજિત અગરકરે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમની જાહેરાત દરમિયાન કહ્યું હતું કે "હાર્દિક પંડ્યા ઓસ્ટ્રેલિયા સિરીઝ માટે ફિટ રહેશે નહીં. જ્યારે તે બેંગલુરુમાં સેન્ટર ઓફ એક્સેલન્સમાં રિહેબિલિટેશન શરૂ કરશે ત્યારે અમને વધુ માહિતી મળશે."
હાર્દિક પંડ્યા ચાર અઠવાડિયા સુધી લેશે ટ્રેનિંગ
હાર્દિક પંડ્યા 14 ઓક્ટોબરના રોજ બેંગલુરુમાં BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ પહોંચ્યો હતો, જ્યાં તે રિહેબિલિટેશનમાંથી પસાર થઈ રહ્યો છે. પરંતુ હાર્દિક દિવાળી માટે મુંબઈ આવ્યો હતો, પરંતુ હવે તેને ફરી ટ્રેનિંગ શરૂ કરી દીધી છે. તે લગભગ 4 અઠવાડિયા સુધી COE ખાતે ટ્રેનિંગ લેશે જેથી તે સંપૂર્ણપણે ફિટ થઈ શકે અને સાઉથ આફ્રિકા સિરીઝ માટે વાપસી કરી શકે.
સારા સમાચાર એ છે કે હાર્દિક પંડ્યાને સર્જરીની જરૂર ન હતી. બીસીસીઆઈની મેડિકલ ટીમ તેની દરેક ગતિવિધિ પર નજર રાખી રહી છે, કારણ કે તે વ્હાઈટ બોલ ક્રિકેટમાં મુખ્ય ખેલાડી છે. આવતા વર્ષે યોજાનાર T20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને બીસીસીઆઈ હાર્દિકની ફિટનેસ સાથે કોઈ જોખમ લેવા માંગતું નથી.
સિતાંશુ કોટકે કહી આ વાત
ભારતીય ટીમના બેટિંગ કોચ સિતાંશુ કોટક માને છે કે હાર્દિક પંડ્યાની ખોટ સાલતી હોય છે. એડિલેડમાં ઓસ્ટ્રેલિયા સામેની બીજી વનડે પહેલા એક પ્રેસ કોન્ફરન્સમાં કોટકે કહ્યું કે "હાર્દિક જેવા ખેલાડી ન હોવા હંમેશા મોટી ખોટ છે." "પરંતુ સકારાત્મક બાજુએ, નીતિશ રેડ્ડીને રમતનો સમય મળી રહ્યો છે અને અમે તેને વિકસાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ."
સિતાંશુ કોટકે વધુમાં કહ્યું કે "દરેક ટીમને ઓલરાઉન્ડરની જરૂર હોય છે અને અમે તેને તે ભૂમિકામાં ઢાળવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ પરિસ્થિતિમાં આ એક સારી તૈયારી છે. કોઈપણ ટીમને હાર્દિક જેવા ખેલાડીની ખોટ સાલશે." ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ODI સિરીઝ 30 નવેમ્બરથી શરૂ થશે. ત્યારબાદ 9 ડિસેમ્બરથી પાંચ T20 મેચ રમાશે.