ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સિરીઝની પહેલી મેચ 14 નવેમ્બરથી કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે. આ ટેસ્ટ સિરીઝમાં ટીમ ઈન્ડિયાના ઝડપી બોલર જસપ્રીત બુમરાહ પાસે એક મોટી સિદ્ધિ હાંસલ કરવાની તક હશે.


જસપ્રીત બુમરાહ ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર તરીકે મોહમ્મદ શમીને પાછળ છોડી શકે છે. તેને આમ કરવા માટે ફક્ત 4 વિકેટની જરૂર છે. જસપ્રીત બુમરાહ આ ટેસ્ટ સિરીઝમાં બોલ સાથે શાનદાર પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયાની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવવાનો પ્રયાસ કરશે.

જસપ્રીત બુમરાહ મોહમ્મદ શમીને છોડશે પાછળ

જસપ્રીત બુમરાહની વાત કરીએ તો તેને અત્યાર સુધીમાં ટેસ્ટમાં 226 વિકેટ લીધી છે. મોહમ્મદ શમીએ અત્યાર સુધીમાં ટેસ્ટમાં 229 વિકેટ લીધી છે. જો જસપ્રીત બુમરાહ સાઉથ આફ્રિકા સામેની આગામી ટેસ્ટ સિરીઝમાં 4 વિકેટ લે છે, તો તે સૌથી વધુ વિકેટ લેવાની બાબતમાં મોહમ્મદ શમીને પાછળ છોડી શકે છે.

ભારત માટે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ અનિલ કુંબલેના નામે છે, તેમને પોતાના કરિયરમાં 619 વિકેટ લીધી છે. બુમરાહ આગામી ટેસ્ટ સિરીઝમાં આ સિદ્ધિ મેળવી શકશે કે નહીં તે જોવાનું રહેશે.

સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટમાં જસપ્રીત બુમરાહનો રેકોર્ડ

સાઉથ આફ્રિકા સામે જસપ્રીત બુમરાહના ટેસ્ટ આંકડા ખૂબ જ શાનદાર છે. જસપ્રીત બુમરાહએ પોતાના કરિયરમાં સાઉથ આફ્રિકા સામે 8 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 20.76 ની એવરેજ અને 2.97 ના ઈકોનોમી રેટથી 38 વિકેટ લીધી છે. જસપ્રીત બુમરાહએ 2018 માં કેપટાઉનમાં સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.

ટેસ્ટ સિરીઝ માટે બંને દેશની ટીમો

ભારત : શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત, યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, દેવદત્ત પડિકલ, ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, આકાશ દીપ.

સાઉથ આફ્રિકા : ટેમ્બા બાવુમા (કેપ્ટન), કોર્બીન બોશ, ડેવાલ્ડ બ્રેવિસ, ટોની ડી જોર્ઝી, ઝુબેર હમઝા, સાઈમન હાર્મર, માર્કો યાન્સેન, કેશવ મહારાજ, એડન માર્કરામ, વિયાન મુલ્ડર, સેનુરન મુથુસામી, કાગીસો રબાડા, રિયાન રિકલ્ટન, ટ્રીસ્ટન સ્ટબ્સ અને કાઈલ વેરિન.


  • Follow us on: