ભારત અને શ્રીલંકાની મહિલા ટીમો વચ્ચે પાંચ મેચની T20 સિરીઝ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ પહેલી 2 મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને બંને મેચ સરળતાથી જીતી લીધી છે. હવે આ સિરીઝની ત્રીજી મેચ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
ટીમ ઈન્ડિયા સિરીઝમાં અજેય લીડ મેળવવા પર નજર રાખશે, તો ટીમ ઈન્ડિયાની સ્ટાર ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા પાસે પણ મોટી સિદ્ધિ હાંસલ કરવાની તક હશે.
દીપ્તિ આ બાબતમાં પહેલી ભારતીય ખેલાડી બની શકે
દીપ્તિ શર્માએ અત્યાર સુધી T20 ઈન્ટરનેશનલ મેચોમાં બેટ અને બોલ બંનેથી શાનદાર પ્રદર્શન કર્યું છે, જેમાં તેણે મેચ વિનરની ભૂમિકા ભજવી છે. શ્રીલંકા મહિલા ટીમ સામેની બીજી T20 મેચમાં પ્લેઈંગ 11માંથી બહાર રહેલી દીપ્તિને જો ત્રીજી મેચમાં રમવાની તક મળે તો તે બોલિંગમાં ધૂમ મચાવી શકે છે. દીપ્તિ શર્માએ અત્યાર સુધીમાં T20 ઈન્ટરનેશનલ મેચોમાં 148 વિકેટ લીધી છે, જો વધુ 2 વિકેટ લે છે, તો તે ભારતીય ક્રિકેટ પુરુષ કે મહિલામાં T20 ઈન્ટરનેશનલ મેચોમાં 150 વિકેટ પૂર્ણ કરનારી પહેલી ખેલાડી બનશે.
નંબર-1ની ખુરશી પર કબજો કરવાની પણ તક
હાલમાં ઓસ્ટ્રેલિયન ખેલાડી મેગન શુટ મહિલા T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાની બાબતમાં ટોપ પર છે, જેને કુલ 151 વિકેટ લીધી છે. દીપ્તિ પાસે મેગનને પાછળ છોડી દેવાની સારી તક છે, જેમાં જો તે ત્રીજી T20 મેચમાં 4 વિકેટ લે છે, તો તે મહિલા T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ બની જશે.
દીપ્તિ શર્માએ અત્યાર સુધીમાં T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 130 મેચ રમી છે, જેમાં તેને 18.99ની એવરેજથી 148 વિકેટ લીધી છે. જો આપણે દીપ્તિના ઈકોનોમી રેટ વિશે વાત કરીએ તો તે 6.11 છે.
મહિલા T20 ઈન્ટરનેશનલ મેચોમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર
મેગન શુટ (ઓસ્ટ્રેલિયા) - 151 વિકેટ
દીપ્તિ શર્મા (ભારત) – 148 વિકેટ
હેનરિયેટ ઈશિમવે (રવાંડા) - 144 વિકેટ
નિદા દાર (પાકિસ્તાન) – 144 વિકેટ
સોફી એક્લેસ્ટોન (ઈંગ્લેન્ડ) – 142 વિકેટ
આ પણ વાંચો: Kapil Sharma Showમાં ભારતીય મહિલા ટીમે મચાવી ધૂમ, સ્મૃતિ મંધાનાએ ન આપી હાજરી, જુઓ VIDEO