IPL 2026ની 27મી મેચમાં હૈદરાબાદના મેદાન પર શાનદાર બેટિંગ પ્રદર્શન જોવા મળ્યું, જ્યાં સનરાઈઝર્સ હૈદરાબાદના સ્ટાર બેટ્સમેન અભિષેક શર્માએ તોફાની ઈનિંગ રમીને ઈતિહાસ રચ્યો. તેને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પાવરપ્લેમાં અડધી સદી ફટકારીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો.
પ્રથમ બેટિંગ માટે આમંત્રણ મળ્યા બાદ સનરાઈઝર્સ હૈદરાબાદની ઓપનિંગ જોડીએ પ્રથમ ઓવરમાં સાવધાનીપૂર્વક રમી અને પછી બીજી ઓવરથી ચેન્નાઈ સુપર કિંગ્સના બોલરોને નિશાન બનાવ્યા. ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ ધમાકેદાર શરૂઆત કરી, માત્ર 4 ઓવરમાં 38 રન બનાવ્યા. બીજી ઓવર બોલિંગ કરવા આવેલા મેથ્યુ શોર્ટે 25 રન આપ્યા. આમ સનરાઈઝર્સ હૈદરાબાદ માત્ર પાંચ ઓવરમાં 60 થી વધુ રન બનાવી શક્યું.
મેથ્યુ શોર્ટે ઘણા રન આપ્યા
અભિષેક શર્માએ ઈનિંગની પાંચમી ઓવરમાં ઓલરાઉન્ડર મેથ્યુ શોર્ટને નિશાન બનાવતા સતત 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. આ સાથે તેને તેની IPL કરિયરની 11મી અડધી સદી પૂર્ણ કરી, જે SRH માટે તેની અત્યાર સુધીની સૌથી ઝડપી અડધી સદી પણ છે. તેને 15 બોલમાં અડધી સદી ફટકારીને પોતાનો જ રેકોર્ડ સુધાર્યો.
આ પહેલા તેને 16 બોલમાં અડધી સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી હતી. ટ્રેવિસ હેડે પણ 2 વાર 16 બોલમાં અડધી સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી છે. તમને જણાવી દઈએ કે અભિષેક MI અને CSK સામે 20 બોલથી ઓછા સમયમાં અડધી સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન છે.
SRH માટે સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર બેટ્સમેન
15 બોલ - અભિષેક શર્મા Vs CSK
16 બોલ - અભિષેક શર્મા Cs MI
16 બોલ - ટ્રેવિસ હેડ Vs DC
16 બોલ - ટ્રેવિસ હેડ Vs LSG
અભિષેક શર્માએ અડધી સદી પૂરી કર્યા પછી છઠ્ઠી ઓવરમાં ટ્રેવિસ હેડ 23 રન બનાવીને આઉટ થયો. કેપ્ટન ઈશાન કિશન બીજા જ બોલે શૂન્ય રને આઉટ થયો હતો. આઠમી ઓવરના છેલ્લા બોલે અભિષેક શર્મા પણ જેમી ઓવરટનનો શિકાર બન્યો હતો. અભિષેકે 22 બોલમાં 59 રન બનાવ્યા હતા.
આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ટીમે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરીને અકીલ હુસૈનની જગ્યાએ મેથ્યુ શોર્ટને ટીમમાં સામેલ કર્યો. પ્લેઈંગ ઈલેવનમાં ખલીલ અહેમદની જગ્યાએ મુકેશ ચૌધરીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો. આ દરમિયાન SRH માટે હર્ષ દુબેની જગ્યાએ દિલશાન મદુશંકાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો.
આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો