ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદના ડેશિંગ ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માએ 59 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ મેચમાં ટોસ હાર્યા બાદ સનરાઈઝર્સ હૈદરાબાદ પહેલા બેટિંગ કરવા આવ્યું હતું, જેમાં અભિષેક અને ટ્રેવિસ હેડે મળીને ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી, જેમાં બંનેએ મળીને પ્રથમ વિકેટ માટે 75 રનની પાર્ટનરશીપ કરી હતી.
આ મેચમાં 59 રનની શાનદાર ઈનિંગના આધારે અભિષેક શર્માએ IPLમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો છે, જેમાં તેને ભૂતપૂર્વ ઓપનિંગ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગનો રેકોર્ડ તોડ્યો છે.
સૌથી ઓછા બોલમાં 2000 IPL રન પૂરા કરનાર ભારતીય ખેલાડી બન્યો અભિષેક શર્મા
છેલ્લા કેટલાક સિઝનમાં IPLમાં ઘણા મોટા રેકોર્ડ તૂટ્યા છે, જેનું સૌથી મોટું કારણ બેટ્સમેનોની રમવાની સ્ટાઈલમાં મોટો ફેરફાર છે. અભિષેક શર્માની વાત કરીએ તો તે હવે IPLના ઈતિહાસમાં સૌથી ઓછા બોલમાં 2000 રન પૂરા કરનાર ખેલાડી બની ગયો છે.
અભિષેક શર્માએ ફક્ત 1193 બોલમાં આ સિદ્ધિ મેળવી છે, જેના કારણે તે આ લિસ્ટમાં ફક્ત આન્દ્રે રસેલથી પાછળ છે, જેને 1120 બોલમાં IPLમાં 2000 રન પૂરા કર્યા હતા. અભિષેક શર્માએ વીરેન્દ્ર સેહવાગનો રેકોર્ડ તોડ્યો છે, જે અગાઉ આ બાબતમાં સૌથી ઝડપી ભારતીય ખેલાડી હતો. વીરેન્દ્ર સેહવાગે 1211 બોલમાં IPLમાં પોતાના 2000 રન પૂરા કર્યા હતા.
IPLમાં સૌથી ઓછા બોલમાં 2000 રન પૂરા કરનારા ખેલાડીઓ
આન્દ્રે રસેલ - 1120 બોલ
અભિષેક શર્મા - 1193 બોલ
નિકોલસ પૂરન - 1198 બોલ
વીરેન્દ્ર સેહવાગ - 1211 બોલ
ક્રિસ ગેલ - 1251 બોલ
IPLમાં 15 બોલમાં છઠ્ઠી ફિફ્ટી
ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં અભિષેક શર્મા 20 બોલથી ઓછા સમયમાં સૌથી વધુ અડધી સદી ફટકારનારા ખેલાડીઓના લિસ્ટમાં ટોપ પર છે. તેને આ સિદ્ધિ 6 વખત હાંસલ કરી છે. વૈભવ સૂર્યવંશી, જેક ફ્રેઝર મેકગર્ક, ટ્રેવિસ હેડ અને નિકોલસ પૂરન આ લિસ્ટમાં બીજા નંબરે છે, જેમણે 3-3 વખત આ સિદ્ધિ હાંસલ કરી છે. વધુમાં અભિષેક શર્મા IPLના ઈતિહાસમાં એકમાત્ર બેટ્સમેન છે જેને મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ બંને સામે 20 બોલથી ઓછા સમયમાં અડધી સદી ફટકારી છે.
આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો