સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન તેંડુલકર ફરી એકવાર ક્રિકેટ જગતમાં ધ્યાનનું કેન્દ્ર બન્યો છે. IPL 2026માં હજુ સુધી તક ન મળવા છતાં, અર્જુનને એક નવી ટીમ દ્વારા મોટી રકમમાં સાઈન કરવામાં આવ્યો છે, જેનાથી T20 મુંબઈ લીગની ઓક્શનમાં ધૂમ મચી ગઈ છે.
T20 મુંબઈ લીગના ઓક્શનમાં અર્જુન તેંડુલકરને લઈને મોટી બોલી લગાવવામાં આવી હતી. તે 2 લાખ રૂપિયાની બેઝ પ્રાઈસ સાથે આવ્યો હતો, પરંતુ બોલી પાંચ ગણી વધીને 10 લાખ રૂપિયા થઈ ગઈ.
આખરે તેને ARCS અંધેરી દ્વારા કરારબદ્ધ કરવામાં આવ્યો. 26 વર્ષનો ઓલરાઉન્ડર આ સિઝનમાં પહેલીવાર લીગમાં રમશે. અર્જુન હવે ભારતીય સ્ટાર શિવમ દુબે સાથે ડ્રેસિંગ રૂમ શેર કરશે, જેને ફ્રેન્ચાઈઝીએ 20 લાખ રૂપિયામાં જાળવી રાખ્યો છે. ટીમે મુશીર ખાનને પણ 11 લાખ રૂપિયામાં ખરીદ્યો.
અર્જુન હાલમાં લખનૌ સુપર જાયન્ટ્સનો ભાગ છે, પરંતુ તેને 2026 ઈન્ડિયન પ્રીમિયર લીગમાં હજુ સુધી એક પણ મેચ રમી નથી. તેનો IPL પગાર 30 લાખ રૂપિયા છે, જ્યારે મુંબઈ T20 લીગમાં તેને તેમાંથી લગભગ 33 ટકા એટલે કે 10 લાખ મળશે. તમને જણાવી દઈએ કે અર્જુનને રિષભ પંતની આગેવાની હેઠળની લખનૌ ટીમે IPL 2026 પહેલા મુંબઈ ઈન્ડિયન્સ પાસેથી ટ્રેડ ડીલ દ્વારા સાઈન કર્યો હતો.
ખાસ પરવાનગી સાથે રમાશે મુંબઈ લીગ
રસપ્રદ વાત એ છે કે મુંબઈ ક્રિકેટ એસોસિએશન દ્વારા અર્જુનને આ લીગમાં રમવા માટે ખાસ પરવાનગી આપવામાં આવી છે. અર્જુન 2022-23 સીઝનથી ગોવા માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમી રહ્યો છે અને અગાઉ તે મુંબઈ માટે રમ્યો હતો. MCA ના નિયમો મુજબ ખેલાડી IPL સિવાય દર વર્ષે ફક્ત એક જ લીગમાં ભાગ લઈ શકે છે. ખેલાડી સિદ્ધાંત અધાતરાવને પણ આવી જ છૂટ આપવામાં આવી છે.
લીગ જૂનમાં શરૂ થશે
2026ની ઈન્ડિયન પ્રીમિયર લીગના સમાપન પછી અને મુંબઈમાં ચોમાસાની સિઝન શરૂ થાય તે પહેલાં જૂનના પહેલા અઠવાડિયામાં T20 મુંબઈ લીગ શરૂ થવાની ધારણા છે. જ્યારે અર્જુન તેંડુલકરને હજુ સુધી IPL 2026માં તક મળી નથી, પરંતુ મુંબઈ T20 લીગમાં તેને મળેલી ઊંચી બોલી તેની પ્રતિભાને સામે લાવવામાં મદદ કરી શકે છે. બધાની નજર તેના પર રહેશે કે શું તે આ તકનો લાભ ઉઠાવી શકશે અને પોતાને સાબિત કરી શકશે.
આ પણ વાંચો: Vaibhav Sooryavanshi રાજસ્થાન રોયલ્સ છોડીને MI માટે રમશે? અનુભવી ક્રિકેટરના નિવેદનથી થયો વિવાદ