ભુવનેશ્વર કુમાર 2026 ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પોતાની શાનદાર બોલિંગથી ફેન્સને પ્રભાવિત કરી રહ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના આ સ્ટાર ખેલાડીએ દિલ્હી કેપિટલ્સ સામે પોતાની બોલિંગથી દિલ જીતી લીધા હતા.
તેને ડીસીના ટોપ ઓર્ડરને હેરાન કરી દીધો હતો. ભુવનેશ્વરે 26 રન આપીને કુલ 3 વિકેટ લીધી હતી. તેની બોલિંગ જોઈને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફ ભાવુક થઈ ગયા અને ભુવનેશ્વરની ટીમ ઈન્ડિયામાં વાપસીની માગ કરી.
'ભુવનેશ્વરમાં હજુ પણ એ જ ચમક છે...'
મોહમ્મદ કૈફે એક્સ પર પોસ્ટ કરી હતી, જેમાં લખ્યું હતું કે ભુવનેશ્વર કુમાર હજુ પણ એ જ રીતે બોલિંગ કરી રહ્યો છે જે રીતે તે 17 વર્ષનો હતો. તેને ભુવનેશ્વરને ફરીથી ટીમ ઈન્ડિયાની જર્સીમાં જોવાની ઈચ્છા વ્યક્ત કરતા લખ્યું છે કે "આ એવી ક્ષણો છે જે દરેકને ભાવુક કરી દે છે. ભુવનેશ્વર કુમારને આટલી શાનદાર બોલિંગ કરતો જોઈને તે 17 વર્ષની યાદો તાજી થઈ ગઈ. હું ઉત્તર પ્રદેશનો કેપ્ટન હતો અને તેની બોલિંગથી પ્રભાવિત થયો હતો."
મોહમ્મદ કૈફે આગળ કહ્યું કે "સિલેક્ટર્સે કહ્યું કે તે ખૂબ નાનો છે, પરંતુ મેં તેને પસંદ કરવાનો આગ્રહ કર્યો. ભુવનેશ્વરે રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કર્યું અને ફાઈનલમાં સચિન તેંડુલકરને શૂન્ય રને આઉટ કર્યો. તે હવે 36 વર્ષનો છે અને તેના સ્વિંગથી બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂકી રહ્યો છે. ટીમ ઈન્ડિયા માટે વાપસી? કેમ નહીં? ભુવનેશ્વર કુમારમાં હજુ પણ તે જ ચમક છે."
IPL 2026 માં પ્રદર્શન કેવું રહ્યું?
ભુવનેશ્વર કુમાર માટે IPL 2026 અત્યાર સુધીની શાનદાર સીઝન રહી છે. તેને 6 મેચ રમી છે, જેમાં તેણે 10 વિકેટ લીધી છે. તેનો ઈકોનોમી રેટ ફક્ત 8.33 છે. ભુવનેશ્વરની બોલિંગ એવરેજ 20.00 છે અને તે દરેક મેચમાં RCB માટે મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે.
ટીમ ઈન્ડિયા માટે છેલ્લી મેચ ક્યારે રમી હતી?
ભુવનેશ્વર કુમારે ભારતીય ટીમની જર્સીમાં પોતાની છેલ્લી મેચ નવેમ્બર 2022માં રમી હતી. તે નેપિયરમાં ન્યુઝીલેન્ડ સામેની T20 મેચમાં રમ્યો હતો. ત્યારબાદ ભુવનેશ્વરને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. IPL 2026 માં પોતાની પ્રભાવશાળી બોલિંગથી કુમાર ભારતીય ટીમમાં વાપસીનો દાવો કરી રહ્યો છે.
આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો