ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનમાં 5 વખતની ચેમ્પિયન ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ તેના ઈજાગ્રસ્ત ખેલાડીઓને કારણે અત્યાર સુધી ઘણી મુશ્કેલીનો સામનો કરી રહી છે. આમાં એક નામ યુવા બેટ્સમેન આયુષ મ્હાત્રેનું પણ છે.
આયુષ મ્હાત્રેને શરૂઆતની મેચોમાં ખૂબ જ સારું ફોર્મ બતાવ્યું હતું, પરંતુ 18 એપ્રિલે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમાયેલી મેચમાં હેમસ્ટ્રિંગની ઈજાને કારણે તે હવે આ આખી સીઝનમાંથી બહાર થઈ ગયો છે. આયુષ મ્હાત્રેની બહાર થયા પછી CSKએ હવે તેના રિપ્લેસમેન્ટ ખેલાડીના નામની જાહેરાત કરી છે, જેમાં તેમને સિઝનની બાકીની મેચો માટે 32 વર્ષના બોલર આકાશ માધવાલને સામેલ કર્યો છે.
આકાશ માધવાલ પણ મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ રહી ચૂક્યો છે
ઉત્તરાખંડનો વતની 32 વર્ષનો ફાસ્ટ બોલર આકાશ માધવાલની વાત કરીએ તો તે અગાઉ IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઈઝીનો ભાગ રહી ચૂક્યો છે. આકાશે 2023ની સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે IPLમાં ડેબ્યૂ કર્યું હતું અને ત્યારબાદ 2024માં તે જ ફ્રેન્ચાઈઝી માટે રમ્યો હતો.
આકાશ ગયા IPL સીઝનમાં રાજસ્થાન રોયલ્સ ટીમનો ભાગ હતો. પરંતુ રાજસ્થાન ફ્રેન્ચાઈઝીએ તેને આ સીઝન માટે રિલીઝ કર્યો હતો, અને અન્ય કોઈ ફ્રેન્ચાઈઝીએ તેને ખેલાડીઓનો ઓક્શનમાં ટીમમાં સામેલ કર્યો ન હતો. આયુષ મ્હાત્રેની ઈજા બાદ તે હવે CSKમાં જોડાયો છે, જ્યાં ફ્રેન્ચાઈઝીએ તેને 30 લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝ પર પસંદ કર્યો છે.
આકાશ માધવાલનું અત્યાર સુધીનું પ્રદર્શન આ પ્રકારનું રહ્યું
આકાશ માધવાલે 3 સીઝનમાં IPLમાં કુલ 17 મેચ રમી છે, જેમાં તેને 25.65 ની એવરેજથી 23 વિકેટ લીધી છે. તેનો ઈકોનોમી રેટ 10.06 છે. તેનું બેસ્ટ IPL પ્રદર્શન 5 રનમાં 5 વિકેટ છે, જે તેને 2023 માં મુંબઈ ઈન્ડિયન્સ માટે લખનૌ સુપર જાયન્ટ્સ સામે એલિમિનેટર મેચમાં હાંસલ કર્યું હતું.
આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો