શું રોહિત શર્મા IPL 2026 માં આગામી મેચ રમશે? શું તે મેચ માટે ફિટ થઈ શકશે? વાનખેડેના નેટ્સ પર મેચના એક દિવસ પહેલા રોહિત બેટિંગની પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો, પરંતુ તેની પ્રેક્ટિસમાં બહુ જોર દેખાતું નહોતું. રોહિત શોટ્સ તો મારી રહ્યો હતો પણ બહુ ઝડપી નહીં. આવી સ્થિતિમાં પંજાબ કિંગ્સ સામેની મેચ માટે તે ઉપલબ્ધ હશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી નથી. પરંતુ, સવાલ એ છે કે જો રોહિત નહીં રમે તો તેની જગ્યા કોણ લેશે? આ રેસમાં દાનિશ માલેવારનું નામ ચાલી રહ્યું છે. મોટી વાત એ છે કે દાનિશ માલેવારે આજ સુધી એક પણ T20 મેચ રમી નથી.
T20 તો ઠીક, વ્હાઇટ બોલ ક્રિકેટ જ નથી રમ્યો
મુંબઈ ઈન્ડિયન્સે IPL 2026 ના ઓક્શનમાં દાનિશ માલેવારને 30 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. 22 વર્ષનો દાનિશ વિદર્ભ બેટ્સમેન છે અને અનુભવના નામે તેણે માત્ર 15 ફર્સ્ટ ક્લાસ મેચો રમી છે. એટલે કે T20 તો છોડો, તેણે તેની પ્રોફેશનલ કરિયરમાં હજુ સુધી વ્હાઇટ બોલ ક્રિકેટમાં ડેબ્યૂ પણ કર્યું નથી. પરંતુ, હવે તેની પાસે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી IPL માં ડેબ્યૂ કરવાની તક બની રહી છે. જો રોહિત શર્મા ઈજાના કારણે પંજાબ કિંગ્સ સામેની મેચમાંથી બહાર થાય છે, તો મુંબઈ ટીમ મેનેજમેન્ટ દાનિશ માલેવારને તક આપી શકે છે.













