ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનમાં ઘણી ટીમો ઈજાગ્રસ્ત ખેલાડીઓની સમસ્યાનો સામનો કરી રહી છે, ત્યારે કેટલાક નામો એવા છે જે આ સીઝન શરૂ થાય તે પહેલાં જ ટીમમાંથી બહાર થઈ ગયા છે. આવું જ એક નામ ઓપનિંગ બેટ્સમેન બેન ડકેટનું છે, જે દિલ્હી કેપિટલ્સ ટીમનો ભાગ છે અને ટેસ્ટ ક્રિકેટ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાને કારણે IPLની આ સીઝનમાં રમી રહ્યો નથી.
હવે દિલ્હી કેપિટલ્સ ટીમે બેન ડકેટના સ્થાને રિપ્લેસમેન્ટ ખેલાડીનું નામ જાહેર કર્યું છે, જેમાં તેમને ઈંગ્લેન્ડના 21 વર્ષના પાકિસ્તાની મૂળના લેગ સ્પિન બોલર રેહાન અહેમદને સામેલ કરવાનો નિર્ણય લીધો છે.
રેહાન અહેમદ પહેલીવાર IPLનો ભાગ બન્યો
રેહાન અહેમદની વાત કરીએ તો, તેનો જન્મ ઈંગ્લેન્ડમાં થયો હતો, પરંતુ તેના પિતા પાકિસ્તાનમાં ક્રિકેટ રમ્યા હતા અને પછીથી ઈંગ્લેન્ડમાં સ્થાયી થયા હતા. તેના કરિયરમાં આ પહેલી વાર છે જ્યારે રેહાન અહેમદ IPL ટીમમાં જોડાયો છે. દિલ્હી કેપિટલ્સે તેને 75 લાખ રૂપિયામાં IPL 2026માં ટીમમાં સામેલ કર્યો છે, ટીમ તેમના સ્પિન બોલિંગ આક્રમણને વધુ મજબૂત બનાવવા માગે છે.
રેહાન અહેમદે અત્યાર સુધીમાં 97 T20 મેચ રમી છે, જેમાં 85 વિકેટ લીધી છે અને 8.13નો ઈકોનોમી રેટ જાળવી રાખ્યો છે. રેહાન બેટથી લોઅર ઓર્ડરમાં યોગદાન આપવામાં પણ માહિર છે, તેને T20 ક્રિકેટમાં 1,071 રન બનાવ્યા છે.
દિલ્હી કેપિટલ્સ માટે આ સિઝન ઉતાર-ચઢાવથી ભરેલી
IPL 2026 સીઝનમાં દિલ્હી કેપિટલ્સ ટીમ અક્ષર પટેલની કેપ્ટનશીપ હેઠળ રમી રહી છે. તેઓએ તેમની પહેલી 2 મેચ સતત જીતી હતી, પરંતુ પછીની 2 હારી ગઈ હતી. આ પછી તેઓએ વધુ 2 મેચ રમી, જેમાં 1 જીતી અને બીજી હારનો સામનો કરવો પડ્યો. આમ આ સીઝનમાં અત્યાર સુધી રમાયેલી 6 મેચોમાંથી દિલ્હી કેપિટલ્સે 3 જીતી છે અને 3 હારનો સામનો કરવો પડ્યો છે. તેથી, ટોપ 4માં સીધું સ્થાન મેળવવા માટે સિઝનની બાકીની મેચો તેમના માટે મહત્વપૂર્ણ રહેશે, તેમની આગામી મેચ 25 એપ્રિલે પંજાબ કિંગ્સ સામે છે.
આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો