IPL 2026 ની 14મી મેચમાં ગુજરાત ટાઈટન્સે દિલ્હી કેપિટલ્સ સામે 1 રનથી વિજય મેળવ્યો અને સિઝનની પોતાની પહેલી જીત નોંધાવી. પહેલા બેટિંગ કરતા ગુજરાતે 211 રનનો ટાર્ગેટ રાખ્યો હતો, પરંતુ દિલ્હી 8 વિકેટ ગુમાવીને ફક્ત 209 રન જ બનાવી શક્યું હતું. દિલ્હી તરફથી કેએલ રાહુલે 52 બોલમાં શાનદાર 92 રન બનાવ્યા હતા. રાહુલ સિવાય પથુમ નિસાન્કાએ 24 બોલમાં 41 રન બનાવ્યા હતા, જ્યારે ડેવિડ મિલરે અણનમ 41 રન બનાવ્યા હતા, પરંતુ તે ટીમને જીત અપાવી શક્યા ન હતા. ગુજરાત તરફથી રાશિદ ખાને 3 વિકેટ લીધી હતી, જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણાએ 2 અને મોહમ્મદ સિરાજે 1 વિકેટ લીધી હતી. છેલ્લા 2 બોલમાં જીતવા માટે દિલ્હીને 2 રનની જરૂર હતી. ડેવિડ મિલર ક્રીઝ પર હતો, પરંતુ ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ બંને બોલને ડોટ નાખ્યા. પાંચમા બોલ પર મિલરે સિંગલ લેવાની ના પાડી હતી તે દિલ્હીની હારનું સૌથી મોટું કારણ સાબિત થયું. જો તેને સિંગલ લીધો હોત તો સ્કોર બરાબર હોત અને પરિણામ અલગ હોત. મિલરની વિસ્ફોટક ઈનિંગે દિલ્હીને હારી ગયેલી મેચમાં જીતની આશા આપી હતી, પરંતુ પાંચમા બોલ પર સિંગલ લેવાની ના પાડી તેના કારણે મિલરને હીરોથી વિલન બનાવી દીધો. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી મેચ ઘણી વખત બદલાઈ ગઈ. શરૂઆતમાં, એવું લાગતું હતું કે ગુજરાત સરળતાથી જીતી જશે, પરંતુ 19મી ઓવરે મેચ સંપૂર્ણપણે બદલી નાખી. સિરાજે 19મી ઓવરમાં 23 રન આપ્યા. ત્યાંથી છેલ્લી ઓવરમાં ફક્ત 13 રનની જરૂર હતી. પ્રસિદ્ધ કૃષ્ણાએ અંતિમ ઓવરમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ગુજરાતને જીત અપાવી.
