જ્યારે દિલ્હી કેપિટલ્સની ઓપનિંગ જોડીએ આઈપીએલ 2026ની 39મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની બોલિંગનો સામનો કર્યો, ત્યારે કોઈએ કલ્પના પણ કરી ન હતી કે આઈપીએલનો શરમજનક રેકોર્ડ બનશે.


અરુણ જેટલી સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરવા માટે આમંત્રણ મળતા દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે શરમજનક પ્રદર્શન કર્યું, લીગના ઈતિહાસમાં એક નવો શરમજનક રેકોર્ડ બનાવ્યો.

અડધી ટીમ 7 રનમાં પેવેલિયન પાછી ફરી

ટોસ જીત્યા પછી RCBના કેપ્ટન રજત પાટીદારે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો અને તેમનો નિર્ણય સંપૂર્ણપણે સાચો સાબિત થયો. ભુવનેશ્વર કુમાર અને જોશ હેઝલવુડની ઘાતક બોલિંગ સામે દિલ્હીની બેટિંગ પત્તાના ઢગલા જેવી પડી ગઈ. દિલ્હી કેપિટલ્સનો સ્કોર માત્ર 3.5 ઓવરમાં 8 રનમાં 6 વિકેટે થઈ ગયો.

આ પહેલા 2.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવ્યા બાદ ટીમ 7 રનમાં અડધી ટીમ પેવેલિયન પરત ફરી ગઈ હતી, જે IPL ઈતિહાસમાં સૌથી ઝડપી 5 વિકેટ ગુમાવવાનો રેકોર્ડ બન્યો. ભુવનેશ્વર કુમાર અને હેઝલવુડે શરૂઆતના ઝટકા સાથે દિલ્હીને બેકફૂટ પર ધકેલી દીધું. બંને ફાસ્ટ બોલરોએ 3-3 વિકેટ લઈને દિલ્હીની કમર તોડી નાખી.


પાવરપ્લેનો સૌથી શરમજનક રેકોર્ડ

દિલ્હી કેપિટલ્સે પાવરપ્લેમાં પ્રથમ 6 ઓવરમાં ફક્ત 13 રન બનાવ્યા અને 6 વિકેટ ગુમાવી દીધી. આ IPLના ઈતિહાસમાં સૌથી ઓછો પાવરપ્લે સ્કોર બન્યો. અગાઉનો રેકોર્ડ 14 રનનો હતો, જે રાજસ્થાન રોયલ્સે 2009માં બનાવ્યો હતો.

IPLમાં સૌથી ઓછો પાવરપ્લે (ઓવર 1-6) સ્કોર

13/6 - DC Vs RCB, દિલ્હી, 2026*

14/2 - RR Vs RCB, કેપ ટાઉન, 2009

14/3 - SRH Vs RR, પુણે, 2022

15/2 - CSK Vs KKR, કોલકાતા, 2011

16/1 - CSK Vs DD, રાયપુર, 2015

16/1 - CSK Vs RCB, ચેન્નાઈ, 2019

સતત વિકેટો પડતાં દિલ્હી કેપિટલ્સ આખરે માત્ર 75 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આ IPLના ઈતિહાસમાં દિલ્હી કેપિટલ્સનો ત્રીજો સૌથી ઓછો સ્કોર છે. આ પહેલા ટીમ 2017માં મુંબઈ ઈન્ડિયન્સ સામે 66 રનમાં અને 2018માં પંજાબ કિંગ્સ સામે 67 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. હેઝલવુડે 4 વિકેટ અને ભુવનેશ્વરે 3 વિકેટ લીધી, જ્યારે રસિક સલામ, સુયશ શર્મા અને કૃણાલ પંડ્યાએ 1-1 વિકેટ લીધી હતી. આ મેચમાં દિલ્હીની બેટિંગ સંપૂર્ણપણે નિષ્ફળ રહી હતી, અને ટીમે એવા રેકોર્ડ બનાવ્યા જે કદાચ તે ટૂંક સમયમાં ભૂલી જશે.

આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો

  • Follow us on: