ગુજરાત ટાઈટન્સે લખનૌ સુપર જાયન્ટ્સને 7 વિકેટથી હરાવ્યું. શુભમન ગિલ અને જોસ બટલરની અડધી સદીએ ગુજરાતને IPL 2026 સીઝનમાં સતત બીજી જીત અપાવી.


આ દરમિયાન જોસ બટલરે તેની T20 કરિયરમાં 14,000 રનનો આંકડો પાર કર્યો. બટલરે 60 રન બનાવીને ઈતિહાસ રચ્યો, જ્યારે ગિલે 56 રન બનાવ્યા. આ પહેલા પ્રસિદ્ધ કૃષ્ણાએ 4 વિકેટ લઈને LSGની બેટિંગ લાઈન-અપની કમર તોડી નાખી.

જોસ બટલરે 14 હજાર પૂરા કર્યા

જોસ બટલર પોતાના T20 કરિયરમાં 14,000 રનનો આંકડો પાર કરનાર વિશ્વનો પાંચમો બેટ્સમેન બન્યો છે. તેની પહેલા ક્રિસ ગેઈલ, કાયરોન પોલાર્ડ, એલેક્સ હેલ્સ અને ડેવિડ વોર્નરનો રેકોર્ડ છે. તેને લખનૌ સામે 37 બોલમાં 60 રનની ઈનિંગ રમીને આ સિદ્ધિ મેળવી હતી. બટલર IPL 2026 માં ઓરેન્જ કેપ માટે પણ દાવેદાર બન્યો છે, તેને અત્યાર સુધી 176 રન બનાવ્યા છે.

શુભમન ગિલ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ પણ મચાવી ધૂમ

પ્રસિદ્ધ કૃષ્ણાએ ગુજરાત ટાઈટન્સની જીતનો પાયો નાખ્યો. તેને 4 ઓવર ફેંકી અને માત્ર 28 રન આપીને 4 વિકેટ લીધી. તેને આ સિઝનમાં અત્યાર સુધીમાં 10 વિકેટ લીધી છે. તેની ઘાતક બોલિંગે ગુજરાતને LSG ને 164 રન સુધી રોકવામાં મદદ કરી.

165 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સના શુભમન ગિલ અને સાઈ સુદર્શને 45 રનની ઓપનિંગ પાર્ટનરશીપ કરી. ગયા સિઝનનો ઓરેન્જ કેપ વિનર સુદર્શન 15 રન બનાવીને આઉટ થયો. પરંતુ ગિલ અને જોસ બટલરે મળીને 84 રનની સંયુક્ત પાર્ટનરશીપ કરીને ગુજરાતને વિજયની નજીક પહોંચાડ્યું. ગિલે 40 બોલમાં 56 રન બનાવ્યા, જ્યારે બટલરે 60 રન બનાવ્યા. 

બાકીના બેટ્સમેન વોશિંગ્ટન સુંદરે 13 બોલમાં 21 રન બનાવ્યા. રાહુલ તેવતિયા 10 રન બનાવીને અણનમ રહ્યો. ગુજરાતે 8 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી. આ મોટી જીતથી તેમના નેટ રન રેટમાં પણ સુધારો થયો.

આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો

  • Follow us on: