હાલમાં ચાલી રહેલી આઈપીએલ 2026 માટે બીસીસીઆઈ દ્વારા નવા શેડ્યૂલ જાહેર કર્યા બાદ ગુજરાત ટાઈટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની પુનઃનિર્ધારિત મેચ માટે ટિકિટ્સ અંગેની મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. જે મેચ પહેલા 26 એપ્રિલે યોજાવવાની હતી તે હવે 21 મેના રોજ સાંજે 7:30 વાગ્યે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.


ફેન્સને 8થી 10 દિવસોમાં રિફંડ મળશે

ગુજરાત ટાઈટન્સ હંમેશા ફેન્સને પ્રાથમિકતા આપવાના પોતાના અભિગમને જાળવી રાખે છે અને ટીમને સપોર્ટ કરવા પહેલેથી ટિકિટ બુક કરાવનાર ફેન્સને સુવિધા આપવા પ્રતિબદ્ધ છે. દરેક નિર્ણયમાં ફેન્સને કેન્દ્રમાં રાખીને ફ્રેન્ચાઈઝી સૌ માટે સરળ અને અનુકૂળ અનુભવ સુનિશ્ચિત કરવા પ્રયત્નશીલ છે.

જેમણે BookMyShow દ્વારા ટિકિટ બુક કરી છે, તેમને એસએમએસ અને/અથવા વોટ્સએપ મેસેજ અને/અથવા ઈમેઈલ દ્વારા બે વિકલ્પ આપવામાં આવશે: નવી તારીખ માટે ટિકિટ જાળવી રાખવી અથવા સંપૂર્ણ રિફંડ પસંદ કરવું. રિફંડ પસંદ કરનાર ફેન્સને કામકાજના 8થી 10 દિવસોમાં રકમ પરત આપવામાં આવશે.

જવાબ આપવા માટેની અંતિમ તારીખ 20 એપ્રિલ બપોરે 12 વાગ્યા સુધી છે. જો આ સમયમર્યાદામાં કોઈ પ્રતિસાદ પ્રાપ્ત નહીં થાય તો ટિકિટ આપમેળે જાળવી રાખવામાં આવી હોવાનું માનવામાં આવશે.

ફિઝિકલ ટિકિટ માટે શું છે રિફંડની પ્રોસેસ?

ફિઝિકલ ટિકિટ માટે રિફંડની પ્રોસેસ ફક્ત ટિકિટ સફળતાપૂર્વક પરત કર્યા બાદ જ કરવામાં આવશે. ફિઝિકલ ટિકિટ કેવી રીતે પરત કરવી તેની વિગતવાર સૂચનાઓ 21 એપ્રિલથી BookMyShow દ્વારા એસએમએસ, ઈમેઈલ અને વોટ્સએપ મારફતે શેર કરવામાં આવશે. તમામ ટિકિટધારકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ મળેલી માહિતી ધ્યાનપૂર્વક વાંચે અને નિર્ધારિત સમયમર્યાદામાં પોતાનો પ્રતિસાદ આપે.

આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો

  • Follow us on: