IPL 2026ની 56મી મેચમાં ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ થઈ. આ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને શરમજનક હારનો સામનો કરવો પડ્યો. આ સિઝનમાં હૈદરાબાદની આ 5મી હાર છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પહેલા બેટિંગ કરતા ગુજરાતે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 168 રન બનાવ્યા. ગુજરાત તરફથી સાઈ સુદર્શન અને વોશિંગ્ટન સુંદરે અડધી સદી ફટકારી. સાઈ સુદર્શને 61 રનનું યોગદાન આપ્યું જ્યારે સુંદરે 50 રનનું યોગદાન આપ્યું. સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી પ્રફુલ હિંગે અને શાકિબ હુસૈને 2-2 વિકેટ લીધી. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સનરાઈઝર્સ હૈદરાબાદની શરૂઆત ખરાબ રહી. અડધી ટીમ 10 ઓવર પહેલા જ આઉટ થઈ ગઈ હતી અને તેનો સ્કોર 56 રન હતો. આ પછી પણ વિકેટ પડતી રહી. સ્કોર 82 રન પર પહોંચ્યો ત્યાં સુધીમાં નવ બેટ્સમેન આઉટ થઈ ગયા હતા. સનરાઈઝર્સ હૈદરાબાદની છેલ્લી વિકેટ 86 રન પર પડી ત્યારે ટીમે શરમજનક રેકોર્ડ બનાવ્યો. આ IPLમાં SRHનો સૌથી ઓછો સ્કોર છે. આ પહેલા ટીમનો સૌથી ઓછો સ્કોર 96 રન હતો, જે 2019માં મુંબઈ સામે બન્યો હતો.


  • Follow us on: