ICC રેન્કિંગમાં ભારતનું પ્રભુત્વ ફરી એકવાર જોવા મળી રહ્યું છે. ભારતીય બેટ્સમેનોએ લેટેસ્ટ ICC મહિલા T20I રેન્કિંગમાં મોટો ફાયદો મેળવ્યો છે. યુવા સ્ટાર શેફાલી વર્મા ટોપ-5 ની ખૂબ નજીક આવી ગઈ છે, ત્યારે કેપ્ટન હરમનપ્રીત કૌર પણ ટોપ-10 માં પરત ફરવાની નજીક હોય તેવું લાગે છે.


21 એપ્રિલે જાહેર કરાયેલા લેટેસ્ટ રેન્કિંગમાં શેફાલી વર્મા તેના સતત સારા પ્રદર્શનના આધારે બે સ્થાનનો કૂદકો લગાવીને છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે. તેને સાઉથ આફ્રિકા સામે 57 રનની ઝડપી ઈનિંગ રમીને આ સિદ્ધિ મેળવી હતી અને હવે તે ટોપ-5 માં પ્રવેશવાથી માત્ર એક ડગલું દૂર છે.

ટોપના 10માં 2 ભારતીય બેટ્સમેન

T20I બેટ્સમેનોના ટોપ-10 રેન્કિંગમાં ફક્ત બે ભારતીય મહિલા બેટ્સમેનનો સમાવેશ થાય છે. ભારતની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાના એક સ્થાન નીચે આવી ગઈ છે. પરંતુ તે ટીમમાં સૌથી વધુ ક્રમાંકિત બેટ્સમેન રહી છે, અને ચોથા સ્થાને છે. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે મજબૂત વાપસીના સંકેતો દર્શાવ્યા છે. સિરીઝની પહેલી મેચમાં અણનમ 47 રન બનાવ્યા હોવાથી તે બે સ્થાન ઉપર આવીને સંયુક્ત 11મા સ્થાને પહોંચી ગઈ છે, અને હવે તે ટોપ-10માં સ્થાન મેળવવાથી થોડી દૂર છે.

ભારત T20I સિરીઝમાં બદલાવની રાહ જોઈ રહ્યું છે

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી 5 મેચની T20I સિરીઝ દરમિયાન ICC રેન્કિંગમાં ફેરફાર થયો છે, જ્યાં બંને ટીમોના ખેલાડીઓને તેમના તાજેતરના પ્રદર્શન માટે પુરસ્કાર આપવામાં આવ્યો છે. 12 જૂનથી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થઈ રહેલા ICC મહિલા T20 વર્લ્ડકપ પહેલા આ સિરીઝને મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

સાઉથ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલ્વાર્ડે બીજી T20I માં અડધી સદી ફટકારીને પોતાનું પાંચમું સ્થાન જાળવી રાખ્યું છે. ભારતીય ટીમ પાંચ મેચની T20I સિરીઝમાં 0-2 થી પાછળ છે. સિરીઝમાં હાર ટાળવા માટે ટીમ ઈન્ડિયાએ કોઈપણ કિંમતે ત્રીજી મેચ જીતવી પડશે.

પાકિસ્તાનની સ્ટાર બોલર સાદિયા ઈકબાલ ICC T20I બોલિંગ રેન્કિંગમાં નંબર 1 પર યથાવત છે, જ્યારે સાઉથ આફ્રિકાની નોનકુલુલેકો મલાબા પાંચ સ્થાન આગળ વધીને સંયુક્ત છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે. ન્યુઝીલેન્ડની સ્ટાર બોલર અમેલિયા કેર T20I ઓલરાઉન્ડરોના લિસ્ટમાં ટોપ પર યથાવત છે.

આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો

  • Follow us on: