IPL 2026 સીઝનમાં 19 એપ્રિલે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે રમાયેલી KKR અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચનો રોમાંચક અંત જોવા મળ્યો જેમાં કોલકાતા નાઈટ રાઈડર્સે 19.4 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 156 રનના ટાર્ગેટનો પીછો કર્યો.
એક સમયે મેચ રાજસ્થાન રોયલ્સ પાસે હોય તેવું લાગતું હતું, જ્યારે તેઓએ 85 રનના સ્કોર સુધી KKRની 6 વિકેટ લીધી હતી. અહીંથી રિંકુ સિંહ અને અનુકુલ રોયે 7મી વિકેટ માટે 76 રનની પાર્ટનરશીપ કરીને રાજસ્થાન રોયલ્સ પાસેથી મેચ છીનવી લીધી.
આ મેચમાં હાર બાદ રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગે એક મોટું નિવેદન આપ્યું જેમાં તેને સ્વીકાર્યું કે આ અમારી મેચ હતી, પરંતુ કેટલીક ભૂલોને કારણે અમને હારનો સામનો કરવો પડ્યો.
આવી મહત્વપૂર્ણ ક્ષણે કેચ છોડી શકીએ નહીં
કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 4 વિકેટથી હાર્યા બાદ રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગે કહ્યું કે "મને લાગે છે કે 4 કે 5 ઓવર પછી અમને પિચનો સારો ખ્યાલ આવી ગયો હતો, અને અમને લાગ્યું કે 170 રન સારો સ્કોર હોત, અને તે સમયે અમે 10 રન પાછળ હતા. પરંતુ જે રીતે અમે પરત આવ્યા અને અમારા બોલરોએ જે રીતે પ્રદર્શન કર્યું, તે અમારી મેચ હતી, અને હું હાર માટે કોઈ બહાનું બનાવવા માગતો નથી કારણ કે અમે મહત્વપૂર્ણ ક્ષણોમાં આટલા સરળ કેચ છોડવાનું પોસાય તેમ નથી. અમે આ મેચમાં કેટલીક ભૂલો કરી હતી, અને અમારે તેની કિંમત ચૂકવવી પડી હતી."
હેટમાયર અને હું ખોટા સમયે આઉટ થયા
રિયાન પરાગે પોતાના નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે જ્યારે હું અને શિમરોન હેટમાયર બેટિંગ કરી રહ્યા હતા, ત્યારે અમે 10-15 બોલ રમ્યા હતા અને પછી આક્રમક રીતે રમવાનો સમય હતો, પરંતુ અમે તે કરી શક્યા નહીં. અમે બંનેએ ખોટા સમયે અમારી વિકેટ ગુમાવી દીધી.
તમને જણાવી દઈએ કે રાજસ્થાન રોયલ્સે IPLની આ સીઝનમાં શાનદાર શરૂઆત કરી હતી, તેમને સતત તેમની પ્રથમ 4 મેચ જીતી હતી, પરંતુ છેલ્લી 2 મેચમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. હવે તેમને આ સીઝનની આગામી મેચ 22 એપ્રિલે લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમવાની છે.
આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો