IPL 2026 દરમિયાન દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલ અને સનરાઈઝર્સ હૈદરાબાદના વાઈસ-કેપ્ટન અભિષેક શર્માને લઈને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. નેશનલ એન્ટી-ડોપિંગ એજન્સી (NADA)એ આ બંને ક્રિકેટરો અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

મીડિયા રિપોર્ટ મુજબ બંને ખેલાડીઓ ડોપિંગ ટેસ્ટમાંથી પસાર થશે અને તેમના લોકેશન શેર કરવાની જરૂર પડશે. NADA એ અભિષેક અને અક્ષરને રજિસ્ટર્ડ ટેસ્ટિંગ પૂલ (RTP)માં સામેલ કર્યા છે.

RTPમાં સમાવિષ્ટ 348 ખેલાડીઓના લેટેસ્ટ લિસ્ટમાં સ્મૃતિ મંધાના અને શ્રેયસ ઐયરનું સ્થાન અભિષેક શર્મા અને અક્ષર પટેલે લીધું છે. આ બધા ખેલાડીઓએ ડોપિંગ વિરોધી એજન્સીને તેમના લોકેશનની માહિતી આપવાની રહેશે અને દરરોજ ચોક્કસ સમયે પરીક્ષણ માટે ઉપલબ્ધ રહેવાનું રહેશે. 3 વખત તેમના લોકેશનની માહિતી આપવામાં નિષ્ફળતાને ડોપિંગ ઉલ્લંઘન ગણવામાં આવે છે.

નાડાના લિસ્ટમાં કુલ 14 ક્રિકેટરોના નામ

ભારતના ટેસ્ટ અને વનડે કેપ્ટન શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, હાર્દિક પંડ્યા, રિષભ પંત, જસપ્રીત બુમરાહ , કેએલ રાહુલ, અર્શદીપ સિંહ અને તિલક વર્મા લિસ્ટમાં યથાવત છે. ગયા વર્ષે વનડે વર્લ્ડકપ જીતીને ઈતિહાસ રચનારી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા, શેફાલી વર્મા અને રેણુકા સિંહ ઠાકુર લિસ્ટમાં યથાવત છે. કુલ 14 ક્રિકેટરોને નાડાના લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે.

NADAના આ લિસ્ટમાં સૌથી વધુ ખેલાડીઓ એથ્લેટિક્સમાંથી છે. આ સંખ્યા હવે વધીને 134 થઈ ગઈ છે, જે ગઈ વખતે 118 હતી. આમાં સ્ટીપલચેઝ એથ્લીટ અવિનાશ સાબલે, હર્ડલર જ્યોતિ યારાજી, ડેકાથ્લોનિસ્ટ તેજસ્વિન શંકર અને દોડવીર અની મેશ કુજુર જેવા અગ્રણી નામોનો સમાવેશ થાય છે.

લાંબા કૂદકા ભાગ લેનારા શૈલી સિંહ અને એમ. શ્રીશંકર, અને શોટ પુટર તજિંદરપાલ સિંહ તૂરનો પણ આ લિસ્ટમાં સમાવેશ થાય છે. અનુભવી તીરંદાજ દીપિકા કુમારી અને રાકેશ કુમાર, પ્રખ્યાત પેરા-તીરંદાજ શીતલ દેવીનો પણ આ NADAના લિસ્ટમાં સમાવેશ થાય છે.

આ ખેલાડીઓ પણ સામેલ છે લિસ્ટમાં

હોકીમાંથી મનપ્રીત સિંહ, કેપ્ટન હરમનપ્રીત સિંહ, અમિત રોહિદાસ અને હાર્દિક સિંહ, મહિલા ટીમના કેપ્ટન સલીમા ટેટે, સવિતા પુનિયા અને નવનીત કૌર પણ આ લિસ્ટમાં છે. બેડમિન્ટનના 8 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં પીવી સિંધુ, લક્ષ્ય સેન અને ગાયત્રી ગોપીચંદનો સમાવેશ થાય છે.

આ લિસ્ટમાં 22 બોક્સરનો સમાવેશ થાય છે, જેમાં વિશ્વ ચંદ્રક વિજેતા નિખત ઝરીન, નિશાંત દેવ અને જાસ્મીન લંબોરિયા તેમજ ઓલિમ્પિક કાંસ્ય ચંદ્રક વિજેતા લવલીના બોરગોહેનનો સમાવેશ થાય છે. કુસ્તીના 31 ખેલાડીઓનો સમાવેશ યાદીમાં કરવામાં આવ્યો છે, જેમાં ઓલિમ્પિક કાંસ્ય ચંદ્રક વિજેતા અમન સેહરાવતનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો