IPL 2026ની 18મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ જોવા મળી. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે સીઝનની પહેલી જીત મેળવી. આ મેચ દરમિયાન એક મોટો વિવાદ પણ જોવા મળ્યો.

દિલ્હીની ઈનિંગ દરમિયાન ટ્રિસ્ટન સ્ટબ્સે ગ્લોવ્સ બદલવાની માગ કરી, પરંતુ એમ્પાયરે તેને મંજૂરી આપી નહીં. આનાથી નીતિશ રાણા ગુસ્સે થયો અને તે એમ્પાયર સાથે ઉગ્ર દલીલ કરતા જોવા મળ્યો. મેદાન પર એમ્પાયર સાથે ઉગ્ર દલીલ અને ગુસ્સાવાળી પ્રતિક્રિયા બાદ હવે દિલ્હી કેપિટલ્સ બેટ્સમેન સામે સત્તાવાર કાર્યવાહી કરવામાં આવી છે.

મેચ દરમિયાન જ્યારે ટ્રિસ્ટન સ્ટબ્સને તેમના ગ્લોવ્સ બદલવાની મંજૂરી આપવામાં આવી ન હતી ત્યારે મામલો ગરમાયો હતો. તે દરમિયાન નીતિશ રાણા બાઉન્ડ્રી લાઈન પાસે એમ્પાયર સાથે દલીલ કરતા જોવા મળ્યો હતો, જેના કારણે પાછળથી મોટો વિવાદ થયો હતો. નીતિશ રાણા સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. હકીકતમાં નીતિશ રાણાને એમ્પાયર સાથેના વિવાદને કારણે મોટું નુકસાન થયું છે. તેમને ભારે દંડ ફટકારવામાં આવ્યો છે.

IPL તરફથી નિવેદન

IPL દ્વારા જાહેર કરાયેલા એક નિવેદન મુજબ નીતિશ રાણાને તેની મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે અને તેને એક ડિમેરિટ પોઈન્ટ પણ આપવામાં આવ્યો છે. નીતિશ રાણાને ખેલાડીઓ માટે IPL આચાર સંહિતાના લેવલ 1 ઉલ્લંઘનનો દોષી ઠેરવવામાં આવ્યો છે.

નીતિશ રાણાએ IPL આચાર સંહિતાના કલમ 2.3નું ઉલ્લંઘન કર્યું છે, જે મેચ દરમિયાન અભદ્ર અથવા અપમાનજનક ભાષાના ઉપયોગથી સંબંધિત છે. આ ઘટના ઈનિંગની 19મી ઓવરમાં બની હતી, જ્યારે નીતિશ રાણા એમ્પાયર સાથે લાંબી દલીલમાં સામેલ હતો.

નીતિશ રાણાએ પોતાની ભૂલ સ્વીકારી

મીડિયા રિપોર્ટ મુજબ નીતિશ રાણાએ પોતાની ભૂલ સ્વીકારી છે અને મેચ રેફરી દ્વારા આપવમાં આવેલી સજા સ્વીકારી છે. આ સમગ્ર ઘટનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે IPLમાં શિસ્તનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે, અને ખેલાડીઓના મેદાન પરના વર્તન પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. દિલ્હી કેપિટલ્સ હવે 18 એપ્રિલે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે.

નીતિશ રાણા ઉપરાંત ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડને પણ સ્લો ઓવર-રેટ માટે દંડ ફટકારવામાં આવ્યો હતો. IPL આચારસંહિતાની કલમ 2.22 હેઠળ, જે ન્યૂનતમ ઓવર-રેટના ગુનાઓ સાથે સંબંધિત છે, આ સિઝનમાં તેમની ટીમનો આ પહેલો ગુનો હોવાથી ઋતુરાજ ગાયકવાડને ₹1.2 મિલિયનનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો