IPL 2026ની 35મી મેચ ઐતિહાસિક રહી. પહેલા બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 265 રનનો ટાર્ગેટ આપ્યો. પ્રભસિમરન સિંહ અને પ્રિયાંશ આર્યની જોડીએ પંજાબને શાનદાર શરૂઆત અપાવી, બંનેએ પ્રથમ વિકેટ માટે 126 રનની પાર્ટનરશીપ કરી. આ પછી કેપ્ટન શ્રેયસ ઐયરે 71 રનની શાનદાર ઈનિંગ રમી અને PBKS ને 6 વિકેટથી જીત અપાવી.
DC અને PBKS વચ્ચે રમાયેલી મેચ ક્રિકેટ ઈતિહાસમાં રેકોર્ડબ્રેકિંગ સાબિત થઈ છે. આ મેચમાં બેટ્સમેનોએ ધમાકેદાર પ્રદર્શન કરતા અનેક મહત્વના રેકોર્ડ્સ તોડી નાખ્યા અને ફેન્સને રોમાંચથી ભરપૂર મેચનો આનંદ અપાવ્યો.
આ મેચમાં સૌથી મોટી હાઈલાઈટ રહી પંજાબ કિંગ્સ દ્વારા કરવામાં આવેલા 265 રનની સફળ ચેઝ, આ રેકોર્ડ T20 ક્રિકેટ ઈતિહાસમાં સૌથી મોટી સફળ રન ચેઝ તરીકે નોંધાયો છે. આ સાથે જ બંને ટીમોએ મળીને કુલ 529 રન બનાવ્યા, જે IPLના એક મેચમાં બીજા નંબરનો સૌથી મોટો સ્કોર ગણાય છે.
આ રેકોર્ડ ખેલાડીઓએ બનાવ્યા
પંજાબ કિંગ્સના ઓપનર્સે પાવરપ્લેમાં જ તાબડતોબ બેટિંગ કરી 116/0નો સ્કોર બનાવ્યો, જે IPL ઈતિહાસમાં પાવરપ્લેનો બીજો બેસ્ટ સ્કોર છે. આ ધમાકેદાર શરૂઆતથી જ મેચનો અંદાજ સ્પષ્ટ થઈ ગયો હતો. વ્યક્તિગત પ્રદર્શનની વાત કરીએ તો કેએલ રાહુલે શાનદાર 152* રનની અણનમ ઈનિંગ રમી, જે ભારત માટે T20 ક્રિકેટમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર ગણાય છે. તેની આ ઈનિંગે દિલ્હીને 264 રન બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
220 રનની જબરદસ્ત પાર્ટનરશીપ નોંધાઈ
તે ઉપરાંત કેએલ રાહુલ અને નીતિશ રાણા વચ્ચે 220 રનની જબરદસ્ત પાર્ટનરશીપ નોંધાઈ, જે IPL ઈતિહાસમાં બીજી સૌથી મોટી પાર્ટનરશિપ છે. આ સમગ્ર મેચે સાબિત કર્યું કે T20 ક્રિકેટમાં કંઈપણ શક્ય છે. ફેન્સ માટે આ મેચ લાંબા સમય સુધી યાદગાર રહેશે, કારણ કે તેમાં રેકોર્ડ્સના વરસાદ સાથે રોમાંચનો ભરપૂર ડોઝ મળ્યો હતો.
આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો