પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો બીસીસીઆઈ પ્રત્યેનો રોષ સમયાંતરે જોવા મળે છે, જેમાં તેઓ સતત તેમની T20 લીગ પાકિસ્તાન સુપર લીગને ઈન્ડિયન પ્રીમિયર લીગ કરતા મોટી દર્શાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેમ છતાં તેઓ શરમનો સામનો કરી રહ્યા છે.
પીએસએલ 2026 સીઝનમાં રમવા જઈ રહેલા કેટલાક વિદેશી ખેલાડીઓએ પાકિસ્તાન જવાની ના પાડી અને આઈપીએલ 2026 સીઝનમાં રમવાનો નિર્ણય કર્યો, જેમાં એક નામ ઝિમ્બાબ્વે ટીમના ફાસ્ટ બોલર બ્લેસિંગ મુઝરબાનીનું પણ હતું, જેના કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હવે નારાજગીને કારણે તેમને પીએસએલમાંથી 2 વર્ષ માટે પ્રતિબંધિત કરવાનો નિર્ણય લીધો છે.
IPLમાં KKR તરફથી રમે છે બ્લેસિંગ મુઝરબાની
ઝિમ્બાબ્વેના ફાસ્ટ બોલર બ્લેસિંગ મુઝરબાનીને ઈન્ડિયન પ્રીમિયર લીગ અને પાકિસ્તાન સુપર લીગ બંને માટે ખેલાડીઓની ઓક્શનમાં પસંદ કરવામાં આવ્યો ન હતો. ત્યારબાદ ઈસ્લામાબાદ યુનાઈટેડ દ્વારા બ્લેસિંગ મુઝરબાનીને પીએસએલ 2026 માટે રિપ્લેસમેન્ટ ખેલાડી તરીકે કરારબદ્ધ કરવામાં આવ્યો.
IPL 2026 સીઝન શરૂ થાય તે પહેલાં કોલકાતા નાઈટ રાઈડર્સ દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો, જેઓ મુસ્તફિઝુર રહેમાનના રિપ્લેસમેન્ટની શોધમાં હતા. ત્યારબાદ બ્લેસિંગ મુઝરબાનીએ પીએસએલ છોડીને આઈપીએલમાં રમવાનો નિર્ણય લીધો, જેનાથી પીસીબી નારાજ થયું. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હવે બ્લેસિંગ મુઝરબાનીને પીએસએલમાંથી 2 વર્ષ માટે પ્રતિબંધિત કરવાનો નિર્ણય લીધો છે.
આ પહેલા પાછલી આઈપીએલ સીઝનમાં સાઉથ આફ્રિકાના ખેલાડી કોર્બિન બોશને પણ પીસીબી દ્વારા એક વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો જ્યારે તેને આઈપીએલમાં રમવા માટે પીએસએલ અધવચ્ચે છોડી દેવાનો નિર્ણય લીધો હતો.
સ્પેન્સર જોહ્ન્સન અને દાસુન શનાકાએ પણ આવું પગલું ભર્યું
PSL 2026માં બ્લેસિંગ મુઝરબાની, સ્પેન્સર જોહ્ન્સન અને દાસુન શનાકાએ છેલ્લી ઘડીએ રમવાની ના પાડી હતી અને IPL ટીમોમાં જોડાયા. પરંતુ PCB એ હજુ સુધી તેમના માટે કોઈ દંડની જાહેરાત કરી નથી, એવી અપેક્ષા છે કે બંને ખેલાડીઓને સમાન પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે. ઈસ્લામાબાદ યુનાઈટેડે તેમને PSLમાં 36 લાખ રૂપિયામાં ખરીદ્યા હતા, જ્યારે KKRએ તેમને IPLમાં 75 લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝ પર કરારબદ્ધ કર્યા હતા.
આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો