પાકિસ્તાન સુપર લીગને લગતો એક મોટો વિવાદ ઉભો થયો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કડક કાર્યવાહીમાં શ્રીલંકાના સ્ટાર ઓલરાઉન્ડર અને કેપ્ટન દાસુન શનાકા પર એક વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે.
આ નિર્ણય PSLમાંથી અચાનક ખસી જવાના કારણે લેવામાં આવ્યો છે, જેના કારણે ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. IPL 2026 શરૂ થાય તે પહેલાં દાસુન શનાકાને સેમ કુરનના સ્થાને રાજસ્થાન રોયલ્સ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. તેનાથી નારાજ થઈને PCBએ હવે શનાકા સામે કાર્યવાહી કરી છે.
નિયમો અને ત્રિપક્ષીય કરારનું ઉલ્લંઘન
PCB દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું કે દાસુન શનાકાએ 21 માર્ચ, 2026ના રોજ એકપક્ષીય રીતે ટુર્નામેન્ટમાંથી ખસી ગયો હતો, જે ખેલાડી નોંધણી નિયમો અને ત્રિપક્ષીય કરારનું ઉલ્લંઘન હતું. બોર્ડના જણાવ્યા અનુસાર તેમને જે કારણો આપ્યા હતા તે કરારના દાયરામાં ન હતા. પરંતુ દાસુન શનાકાએ સુનાવણી દરમિયાન પોતાની ભૂલ બદલ દિલગીરી વ્યક્ત કરી હતી અને પાકિસ્તાનમાં રમવાનો પોતાનો જુસ્સો વ્યક્ત કર્યો હતો, પરંતુ PCB એ લીગની વિશ્વસનીયતા જાળવવા માટે કડક નિર્ણય જાહેર કર્યો હતો.
દાસુન શનાકાએ માગી માફી
આ નિર્ણયના પરિણામે દાસુન શનાકા હવે 2027માં પાકિસ્તાન સુપર લીગની આગામી સીઝનમાં ભાગ લઈ શકશે નહીં. PCBના આ પગલા પર પ્રતિક્રિયા આપતા દાસુન શનાકાએ કહ્યું કે તેઓ PSLમાંથી ખસી જવાના પોતાના નિર્ણય બદલ ખૂબ જ દુઃખી છે અને પાકિસ્તાનના લોકો, PSL ફેન્સ અને વ્યાપક ક્રિકેટ સમુદાય પાસે તેમની માફી માગે છે.
PSL એક પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ છે, અને તેઓ આ નિર્ણયથી થયેલી નિરાશાને સંપૂર્ણપણે સમજે છે. તેઓ લાહોર કલંદર્સના વફાદાર ફેન્સની દિલથી માફી માગે છે.
દાસુન શનાકાએ વધુમાં જણાવ્યું હતું કે તે સ્પષ્ટ કરવા માગે છે કે જ્યારે તેને PSL છોડી દીધું હતું, ત્યારે તેનો કોઈ અન્ય ટુર્નામેન્ટમાં રમવાનો કોઈ ઈરાદો ન હતો. તેને પાકિસ્તાની ફેન્સ માટે ખૂબ માન છે અને તેને હંમેશા પાકિસ્તાનમાં પોતાનો સમય માણ્યો છે. તે ભવિષ્યમાં નવી પ્રતિબદ્ધતા અને ફેન્સના વિશ્વાસ સાથે PSLમાં પાછા ફરવાની આશા રાખે છે.
PCBનું વલણ સ્પષ્ટ
પીસીબીએ સ્પષ્ટ કર્યું છે કે તે તેના ખેલાડીઓના કરાર અને વ્યાવસાયિક ધોરણો સાથે કોઈ સમાધાન કરશે નહીં, જેથી પીએસએલની વિશ્વસનીયતા અને ભવિષ્ય સુરક્ષિત રહે. દાસુન શનાકાના પ્રતિબંધથી અન્ય ખેલાડીઓને પણ એક મજબૂત સંદેશ મળે છે કે જો તેઓ લીગના નિયમોનું ઉલ્લંઘન કરશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. ભવિષ્યમાં શનાકા પીએસએલમાં કેવી રીતે પાછા ફરે છે તે જોવું રસપ્રદ રહેશે.
આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો