IPL 2026ની 20મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સને 18 રનથી હરાવ્યું. મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો, પરંતુ RCB ની વિસ્ફોટક બેટિંગ સામે તેમની બોલિંગ ખરાબ રીતે નિષ્ફળ ગઈ.
RCB એ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 240 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 222 રન જ બનાવી શક્યું.
ફિલ સોલ્ટ અને રજત પાટીદારની તોફાની ઈનિંગ
આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની શરૂઆત ધમાકેદાર રહી. ફિલ સોલ્ટે માત્ર 36 બોલમાં 78 રન બનાવ્યા, જેમાં 6 ચોગ્ગા અને 6 છગ્ગાનો સામેલ છે. વિરાટ કોહલીએ 38 બોલમાં 50 રનનું યોગદાન આપ્યું. આ સમયગાળા દરમિયાન બંને ખેલાડીઓએ પ્રથમ વિકેટ માટે 120 રનની પાર્ટનરશીપ કરી. ત્યારબાદ કેપ્ટન રજત પાટીદારે શાનદાર પ્રદર્શન કર્યું, માત્ર 20 બોલમાં 53 રન બનાવ્યા, જેમાં 4 ચોગ્ગા અને 5 છગ્ગા સામેલ છે. ત્યારબાદ ટિમ ડેવિડે અણનમ 34 રન બનાવીને ટીમને આ સ્કોર સુધી પહોંચાડી.
બીજી તરફ મુંબઈ તરફથી શાર્દુલ ઠાકુર, હાર્દિક પંડ્યા, મિચેલ સેન્ટનર અને ટ્રેન્ટ બોલ્ટે 1-1 વિકેટ લીધી, પરંતુ કોઈપણ બોલર RCBની આક્રમક બેટિંગને કાબૂમાં રાખી શક્યો નહીં.
મુંબઈની ટીમ 222 રન બનાવી શકી
મુંબઈ ઈન્ડિયન્સની ઈનિંગ સારી શરૂઆત થઈ, પરંતુ છઠ્ઠી ઓવરમાં રોહિત શર્મા રિટાયર્ડ હર્ટ થઈ ગયો. તેને 13 બોલમાં 19 રન બનાવ્યા અને જમણા હેમસ્ટ્રિંગની ઈજાને કારણે તે વધુ રમી શક્યો નહીં. આ દરમિયાન રિયાન રિકલ્ટને 22 બોલમાં 37 રન બનાવીને રન ચેઝનો પાયો નાખ્યો. સૂર્યકુમાર યાદવે પણ 22 બોલમાં 33 રન બનાવ્યા, પરંતુ તિલક વર્મા 1 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો. ત્યારબાદ હાર્દિક પંડ્યા 22 બોલમાં 40 રન બનાવીને આઉટ થયો.
પરંતુ શેરફેન રધરફર્ડે અંત સુધી લડત આપી, 31 બોલમાં અણનમ 71 રન બનાવ્યા, પરંતુ ટીમ હજુ પણ ટાર્ગેટથી 18 રન દૂર રહી ગઈ. RCB તરફથી સુયશ શર્માએ 2 વિકેટ લીધી. જેકબ ડફી, કૃણાલ પંડ્યા અને રસિક સલામ ડારે 1-1 વિકેટ લીધી.
મુંબઈએ હારની હેટ્રિક ફટકારી
આ સિઝનમાં મુંબઈનો આ સતત ત્રીજી હાર છે. તેઓ 4 મેચમાંથી ફક્ત 1 જ જીત મેળવી શક્યા છે. આ દરમિયાન RCB એ સિઝનમાં પોતાની ત્રીજી જીત મેળવી છે, જે અત્યાર સુધી ફક્ત એક જ મેચ હારી છે.
આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો