IPL 2026 દરમિયાન એક ફોટાએ મોટો વિવાદ ઉભો કર્યો છે. રાજસ્થાન રોયલ્સ ટીમના મેનેજર રોમી ભિંડરનો ડગઆઉટમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો એક વીડિયો સામે આવ્યો છે, જેના કારણે BCCIએ કડક કાર્યવાહી કરી છે અને તેમને નોટિસ ફટકારી છે.
ગુવાહાટીમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામેની મેચ દરમિયાન આ ઘટના બની હતી, જ્યાં રોમી ભિંડર ડગઆઉટમાં ફોનનો ઉપયોગ કરતો જોવા મળ્યો હતો. આ ઘટના બાદ BCCI ના ભ્રષ્ટાચાર વિરોધી અને સુરક્ષા એકમ (ACSU) એ તેમને કારણદર્શક નોટિસ ફટકારી હતી, જેમાં 48 કલાકની અંદર જવાબ માગવામાં આવ્યો હતો.
ડગઆઉટમાં ફોનનો ઉપયોગ કરતા કેમેરામાં કેદ
નિયમો મુજબ ટીમ મેનેજર મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકે છે, પરંતુ આ ફક્ત ડ્રેસિંગ રૂમની અંદર જ પરવાનગી છે. મીડિયા રિપોર્ટ મુજબ આ કિસ્સામાં રોમી ભિંડર ડગઆઉટ વિસ્તારમાં તેમના ફોનનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા, જે ઉલ્લંઘન ગણી શકાય. પરંતુ ટેકનિકલ પાસું એ પણ છે કે તે ડગઆઉટની ધાર પર ખેલાડીઓના વિસ્તારની બાજુમાં આવેલા રેફ્રિજરેટર પાસે બેઠો હતો.
પીએમઓએ (પ્લેયર અને મેચ ઓફિસિયલ્સ એરિયા) માર્ગદર્શિકા મુજબ ટીમ મેનેજરો ફક્ત ક્રિકેટ કામગીરી માટે અથવા આવશ્યક પર્સનલ કારણોસર, નિયુક્ત વિસ્તારોમાં મોબાઈલ ડિવાઈઝનો ઉપયોગ કરી શકે છે. સુરક્ષા મેનેજરો અને મેચ અધિકારીઓએ પણ તેમના ફોનને સાયલન્ટ મોડ પર રાખવા અને ફક્ત ઈમરજન્સીની સ્થિતિમાં જ તેનો ઉપયોગ કરવો જરૂરી છે.
રોમી ભિંડર પર પોતાના ફોનનો અંગત ઉપયોગ કરવાનો આરોપ
નિયમોમાં એ પણ જણાવાયું છે કે ટીમ મેનેજરો મેચ સંબંધિત વહીવટી અથવા લોજિસ્ટિક્સ કાર્ય માટે ફક્ત લેપટોપ અથવા અન્ય ડિવાઈઝનો ઉપયોગ કરી શકે છે. વ્યક્તિગત ઉપયોગને નિયમોનું સીધું ઉલ્લંઘન ગણવામાં આવશે. રસપ્રદ વાત એ છે કે રોમી ભિંડર તાજેતરમાં ફેફસાની ગંભીર બીમારીમાંથી સ્વસ્થ થયો હતો અને મીડિયા રિપોર્ટ મુજબ સ્વાસ્થ્યના કારણોસર ડ્રેસિંગ રૂમમાં જઈ શક્યો ન હતો. તેને સીઝન શરૂ થાય તે પહેલાં BCCIને તેની તબીબી સ્થિતિ વિશે જાણ કરી હતી.
કોવિડ-19 પછી BCCIએ ટીમ અધિકારીઓને મર્યાદિત ધોરણે મોબાઈલ ડિવાઈઝનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી જેથી ફ્રેન્ચાઈઝીઓને સમયસર માહિતી મળે, ખાસ કરીને વોટ્સએપ દ્વારા. રોમી ભિંડર પોતાના જવાબમાં શું સ્પષ્ટતા આપે છે અને બીસીસીઆઈ આ મામલે આગળ શું પગલાં લે છે તે જોવું રસપ્રદ રહેશે.
આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો