IPL 2026ની 64મી મેચમાં, રાજસ્થાન રોયલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 7 વિકેટથી હરાવ્યું. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં યજમાન રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા લખનૌ સુપર જાયન્ટ્સે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 220 રન બનાવ્યા. લખનૌ માટે મિચેલ માર્શે શાનદાર ઈનિંગ રમી. તે છેલ્લી ઓવરમાં જોફ્રા આર્ચરનો શિકાર બન્યો. તેને 57 બોલમાં 11 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 97 રનની ઈનિંગ રમી. રાજસ્થાન માટે યશ રાજ પુંજાએ 2 વિકેટ લીધી જ્યારે આર્ચરને 1 વિકેટ મળી. લખનૌના વિશાળ સ્કોરનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સે 3 વિકેટ ગુમાવીને 221 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો. રાજસ્થાનની શાનદાર જીતમાં વૈભવ સૂર્યવંશીએ મુખ્ય ભૂમિકા ભજવી. વૈભવે માત્ર 38 બોલનો સામનો કરીને 10 છગ્ગા અને 7 ચોગ્ગા સાથે 93 રનની ઈનિંગ રમી. ધ્રુવ જુરેલે પણ શાનદાર અડધી સદી ફટકારી. આ જીતથી રાજસ્થાન રોયલ્સ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગયું છે. ટીમના હવે 14 પોઈન્ટ છે. લીગ સ્ટેજની છેલ્લી મેચ જીતવાથી રાજસ્થાન પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી ચોથી ટીમ બનશે. રાજસ્થાનની જીતથી પંજાબને ઘણું નુકસાન થયું છે, જે હવે ચોથા સ્થાનથી પાંચમા સ્થાને સરકી ગયું છે.