IPL 2026ની 36મી મેચમાં રાજસ્થાન રોયલ્સનો સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 5 વિકેટથી હાર થઈ. 228 રન બનાવવા છતાં RR મેચ હારી ગયું. મેચ હાર્યા બાદ રાજસ્થાનનો કેપ્ટન રિયાન પરાગ ખૂબ જ નિરાશ અને હતાશ જોવા મળ્યો હતો.
તેને સ્પષ્ટપણે આ મેચમાં હાર માટે ખરાબ ફિલ્ડિંગને જવાબદાર ઠેરવી હતી. રિયાન પરાગ માને છે કે ટીમે બોલિંગ અને બેટિંગમાં સારું કામ કર્યું, પરંતુ કેચ છોડવા મોંઘા સાબિત થયા. ફિલ્ડરો દ્વારા ખરાબ ફિલ્ડિંગને કારણે તેની ટીમ 228 રન બનાવ્યા પછી હારી ગઈ.
કેચ છોડવો અમને મોંઘો પડ્યો - રિયાન પરાગ
મેચ પછીના પ્રેઝન્ટેશન સેરેમની દરમિયાન રિયાન પરાગે કહ્યું કે "કૌશલ્યની દ્રષ્ટિએ, અમે ઘણું સારું પ્રદર્શન કર્યું. પરંતુ અમે જે કેચ છોડ્યા તે આખરે મોંઘા સાબિત થયા. તમે અભિષેક જેવા તેજસ્વી ખેલાડી પાસેથી કેચ છોડી શકતા નથી. ટીમ ફિલ્ડિંગમાં વધુ સારું પ્રદર્શન કરી શકી હોત અને તેમાં સુધારાની જરૂર છે. આપણે ક્લિનિકલ બનવાની જરૂર છે, અને કોઈપણ મેચમાં ફિલ્ડિંગ ખૂબ મોટી ભૂમિકા ભજવે છે. આશા છે કે, અમે આગામી મેચમાં માનસિક રીતે તાજગી અનુભવીશું."
તેને વધુમાં ઉમેર્યું કે "સાચું કહું તો SRH બોલરોએ 18મી અને 19મી ઓવરમાં સારી બોલિંગ કરી, કેટલાક ઉત્તમ યોર્કર ફેંક્યા. અમે 10-15 રનથી ઓછા પડી ગયા." અભિષેક અને ઈશાનની બેટિંગ અંગે તેને કહ્યું કે "તેઓ બંને ડાબા હાથના બેટ્સમેન છે, અને મને લાગ્યું કે ફેરેરા અને મારી પાસે વિકેટ લેવાની વધુ સારી તક હતી, પરંતુ વિકેટ સ્પિન બોલરો માટે મદદરૂપ ન હતી."
પંજાબ કિંગ્સ સામેની મેચ વિશે રિયાન પરાગે શું કહ્યું?
પંજાબ કિંગ્સ સામેની આગામી મેચ અંગે રાજસ્થાનના કેપ્ટને કહ્યું કે "દરરોજ એક અલગ મેદાન અને એક અલગ પ્રકારની મેચ હોય છે, તેથી અમારી રણનીતિ બદલાતી રહે છે. અમને ખબર નથી કે ચંદીગઢની પિચ હજુ કેવી હશે. પંજાબે દિલ્હીમાં એક મોટો લક્ષ્ય હાંસલ કર્યો છે. પરંતુ ચંદીગઢ એક નવું મેદાન છે, ત્યાંની પિચ અને માટી અલગ હશે. આશા છે કે ત્યાં આટલો હાઈ સ્કોર નહીં બને. અમે તેમને ઓછા સ્કોર સુધી મર્યાદિત રાખવા માગીએ છીએ, પરંતુ અત્યારે અમને આરામ કરવા, આ મેચ વિશે વિચારવા અને પછી આગળ વધવા માટે થોડો સમય જોઈએ છે."
વૈભવ સૂર્યવંશીની સદી વ્યર્થ ગઈ
SRH સામેની મેચમાં રાજસ્થાને વૈભવ સૂર્યવંશીની સદીની ઈનિંગને કારણે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 228 રન બનાવ્યા. આ મેચમાં વૈભવે 37 બોલમાં 103 રનની તોફાની ઈનિંગ રમી, પરંતુ તેની ઈનિંગ નિરર્થક ગઈ. હૈદરાબાદે 18.3 ઓવરમાં 229 રન બનાવીને 5 વિકેટે મેચ જીતી લીધી. SRH માટે અભિષેક શર્મા (57 રન) અને ઈશાન કિશન (74 રન) એ શાનદાર મેચવિનિંગ ઈનિંગ રમી. ઈશાન કિશનને તેની શાનદાર ઈનિંગ બદલ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો.
આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો