RCB વિરુદ્ધ LSG મેચ પહેલા ફેન્સ વિરાટ કોહલી વિશે ચિંતિત હતા. પાછલી મેચમાં ઈજાગ્રસ્ત થયા બાદ આ મેચમાં તેના રમવા અંગે શંકા હતી. પરંતુ લખનૌ સામેની મેચમાં વિરાટ કોહલી એક ઈમ્પેક્ટ ખેલાડી તરીકે બેટિંગ કરવા આવ્યો અને ત્યાં પોતાનો ઈમ્પેક્ટ પાડ્યો.
વિરાટ કોહલી 34 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 49 રન બનાવીને આઉટ થયો. પરંતુ તેને જે રીતે બેટિંગ કરી તે જોઈને બધાને લાગ્યું કે તે આ મેચમાં રમવા માટે સંપૂર્ણપણે ફિટ છે. પરંતુ મેચ સમાપ્ત થયા પછી વિરાટે કહ્યું કે તે આ મેચમાં રમવા માટે 100% ફિટ નથી.
ઈજા વિશે વિરાટે શું કહ્યું?
LSG સામેની મેચ પછી વિરાટે બ્રોડકાસ્ટર્સ સાથે વાત કરી. આ દરમિયાન તેને તેની ઈજા વિશે પૂછવામાં આવ્યું. આનો જવાબ આપતા વિરાટે કહ્યું કે "હું છેલ્લી મેચ કરતાં ઘણો સારો અનુભવ કરી રહ્યો છું. હું હજુ પણ 100% ફિટ નથી.
છેલ્લી મેચમાં મને ઘૂંટણમાં થોડો દુખાવો થયો હતો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ હું છેલ્લા 4-5 દિવસથી થોડો અસ્વસ્થ અનુભવી રહ્યો છું. તેથી હમણાં હું ફક્ત મારી જૂની લયમાં પાછા ફરવાનો પ્રયાસ કરી રહ્યો છું. આજે મારી શરૂઆત સારી રહી, તેથી હું મારા ઉર્જા લેવલથી ખુશ છું."
ઓરેન્જ કેપ રેસમાં વિરાટ આગળ
પોતાની ઈનિંગ વિશે વિરાટે કહ્યું કે "હું મારી ઈનિંગ ચાલુ રાખવા માગતો હતો અને મેચ પૂરી કરવા માગતો હતો. ક્યારેક તમારે મેદાનની સ્થિતિ ધ્યાનમાં લેવી પડે છે. પિચ ઘણી ધીમી પડી ગઈ હતી, અને હું કદાચ એ જ સ્ટાઈલમાં રમવાનું ચાલુ રાખવા માગતો હતો. પરંતુ અંતે, મારે કદાચ મેચ પૂરી કરવી જોઈતી હતી."
પિચ વિશે તેને કહ્યું કે "છેલ્લા 3 થી 4 દિવસથી અહીં ખૂબ જ ગરમી હતી. પિચ ખૂબ જ સૂકી હતી. તેથી અમારો પ્લાન હતો કે પહેલા 5 થી 6 ઓવરમાં મેચ પર નિયંત્રણ મેળવીએ અને વિરોધી ટીમને રમતમાંથી બહાર કરીએ. આ કારણોસર પાવરપ્લેમાં આક્રમક બેટિંગ કરવી જરૂરી હતી. મને ખુશી છે કે હું મારી ટીમને લીડ અપાવી શક્યો." આ ઈનિંગ પછી વિરાટ કોહલી 228 રન સાથે ઓરેન્જ કેપ રેસમાં ટોપ પર પહોંચી ગયો છે.
આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો