IPL 2026ના બિઝી શેડ્યૂલ વચ્ચે જ્યારે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે પહોંચ્યો, ત્યારે વાતાવરણ ઉત્સાહથી ભરેલું હતું. પરંતુ આ ઉત્સાહ વચ્ચે વિરાટ કોહલીનો એક ફની અંદાજ પણ જોવા મળ્યો, જેને બધા ફેન્સનું દિલ જીતી લીધું.
નવી દિલ્હીમાં એક શાળાના કાર્યક્રમ દરમિયાન જ્યારે વિરાટ કોહલી સ્ટેજ પર પહોંચ્યો, ત્યારે વિદ્યાર્થીઓએ તાળીઓ અને અવાજથી તેનું સ્વાગત કર્યું. આ દરમિયાન મજાકમાં વિરાટ કોહલીએ કહ્યું કે "બોલવા તો દો યાર, પ્લીઝ" અને ત્યાં હાજર બધા હસવા લાગ્યા. આ ફની ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વિદ્યાર્થીઓ માટે ખાસ સંદેશ
કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યા પછી વિરાટ કોહલીએ વિદ્યાર્થીઓને સંબોધન કર્યું, તેને તેમની શાળા, શિક્ષકો અને પર્યાવરણનો આદર કરવાની સલાહ આપી. તેને કહ્યું કે નાનપણથી જ પોતાના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પોતાના શાળાના દિવસોને યાદ કરતા વિરાટ કોહલીએ સમજાવ્યું કે કેવી રીતે તેને ક્રિકેટને કરિયર તરીકે પસંદ કરવાનું નક્કી કર્યું. તેને કહ્યું કે પોતાના સપના પ્રત્યે સાચા રહેવું અને તેને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવી એ સફળતાની ચાવી છે.
વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં
વિરાટ કોહલીનું પ્રભાવશાળી પ્રદર્શન ગયા સિઝનથી ચાલુ છે. તેને IPL 2025માં 18 વર્ષમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને તેનું પ્રથમ IPL ટાઈટલ જીતવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ સિઝનમાં પણ RCB શાનદાર ફોર્મમાં છે અને પોઈન્ટ ટેબલમાં બીજા નંબરે છે. ટીમે 8 મેચમાં 12 પોઈન્ટ મેળવીને પ્લેઓફ તરફ મજબૂત પગલાં લીધાં છે.
છેલ્લી મેચમાં જ વિરાટ કોહલીએ IPLમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી લો-સ્કોરિંગ મેચમાં વિરાટ કોહલીએ 11 રન બનાવતાની સાથે જ IPLમાં 9000 રન પૂર્ણ કરવાની સિદ્ધિ હાંસલ કરી. તે આવું કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો.
વિરાટ કોહલીએ આ સિઝનમાં 8 મેચમાં 58 થી વધુની એવરેજ અને 162.50ના સ્ટ્રાઈક રેટથી 351 રન બનાવ્યા છે. આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓના લિસ્ટમાં તે ચોથા નંબરે છે. તેના પહેલા વૈભવ સૂર્યવંશી 400 રન, અભિષેક શર્મા 380 રન અને કેએલ રાહુલ 358 રને આગળ છે.
આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો