આઈપીએલ 2026ની 32મી મેચમાં રાજસ્થાન રોયલ્સે (RR) લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામે બુધવારે શાનદાર વિજય મેળવ્યો હતો. જોકે, રાજસ્થાન રોયલ્સના એક ખેલાડી માટે જીતની ખુશી ક્ષણભર રહી. LSG સામે જીત છતાં RR ટીમના દક્ષિણ આફ્રિકન ફાસ્ટ બોલર નાન્દ્રે બર્ગર માટે માઠા સમાચાર આવ્યા છે. મેદાન પર અયોગ્ય વર્તન કરવા બદલ BCCI દ્વારા નાન્દ્રે બર્ગરને આકરો દંડ ફટકારવામાં આવ્યો છે.
મેચ ફીમાં કાપ અને ડિમેરિટ પોઈન્ટ
IPL દ્વારા જારી કરાયેલી સત્તાવાર યાદી મુજબ, નાન્દ્રે બર્ગરને આઈપીએલ આચારસંહિતાના ભંગ બદલ તેની મેચ ફીના 10 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. આટલું જ નહીં, તેના શિસ્ત રેકોર્ડમાં એક ડિમેરિટ પોઈન્ટ પણ ઉમેરવામાં આવ્યો છે. બર્ગરે પોતાની ભૂલ સ્વીકારી લીધી હોવાથી હવે આ મામલે કોઈ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે નહીં.
કયા ગુના હેઠળ થઈ કાર્યવાહી?
નાન્દ્રે બર્ગરને આઈપીએલ આચારસંહિતાની કલમ 2.5 (લેવલ 1) હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો છે. આ કલમ મેચ દરમિયાન અન્ય ખેલાડી સામે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવો. વાંધાજનક હાવભાવ કે એક્શન કરવા. તેમજ સામા ખેલાડીને આક્રમક પ્રતિક્રિયા આપવા ઉશ્કેરવા સાથે સંબંધિત છે.
મિશેલ માર્શને આઉટ કરવું બર્ગરને ભારે પડ્યું
જોકે સત્તાવાર રીતે કોઈ ચોક્કસ ક્ષણનો ઉલ્લેખ નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે જ્યારે બર્ગરે લખનૌના બેટ્સમેન મિશેલ માર્શને આઉટ કર્યો ત્યારે તેણે કાબૂ ગુમાવ્યો હતો. માર્શે આઉટ થતા પહેલા બર્ગરની ઓવરમાં ચોગ્ગા-છગ્ગા ફટકાર્યા હતા, જેનો બદલો લેવા માટે વિકેટ લીધા બાદ બર્ગરે કદાચ કોઈ આક્રમક ટિપ્પણી કે ઈશારો કર્યો હતો, જે અમ્પાયરોની નજરમાં આવી ગયો હતો.
મેચમાં બર્ગરનું પ્રદર્શન
IPL 2026માં રમતની દ્રષ્ટિએ બર્ગરનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. LSG સામે તેણે 4 ઓવરમાં માત્ર 27 રન આપીને 2 મહત્વની વિકેટો ઝડપી હતી. તેણે લખનૌના કેપ્ટન ઋષભ પંત અને સ્ફોટક બેટ્સમેન મિશેલ માર્શને પેવેલિયન ભેગા કરીને રાજસ્થાનની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.