મુંબઈ ઈન્ડિયન્સે IPL 2026ની પોતાની પહેલી મેચ જીતી હતી. ત્યારબાદ ટીમ આગામી ચાર મેચ હારી ગઈ. ત્યારબાદ, MIએ વાપસી કરી અને છઠ્ઠી મેચ જીતી. હવે ગુરુવારે એટલે કે 23 એપ્રિલ ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની સાતમી મેચ પહેલા, હાર્દિક પંડ્યાનો "બ્રહ્માસ્ત્ર" ખેલાડી મુંબઈ સાથે જોડાયો છે, જે નિઃશંકાપણે ટીમને વધુ મજબૂત બનાવશે.
વિલ જેક્સ વાનખેડે સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો
ઈંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન વિલ જેક્સ મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાયો છે, જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી. ચેન્નાઈ સામેની મેચ પહેલા જેક્સ વાનખેડે સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. ઈંગ્લેન્ડના આ ઓપનરના આગમનથી નિઃશંકાપણે મુંબઈ ઈન્ડિયન્સ મજબૂત બનશે. તે ટીમની બેટિંગ તેમજ સ્પિનર તરીકેની ભૂમિકામાં યોગદાન આપી શકે છે.
ઈજાને કારણે હજુ સુધી ટીમમાં જોડાયો ન હતો વિલ જેક્સ
મીડિયા રિપોર્ટ મુજબ ખતરનાક ઓલરાઉન્ડર વિલ જેક્સ મુંબઈ ઈન્ડિયન્સ કેમ્પમાં જોડાઈ ગયો છે. જેક્સ ઈજાગ્રસ્ત હતો અને શરૂઆતની કેટલીક મેચોમાં ટીમ સાથે ન હતો. હવે તે સ્વસ્થ થયા પછી ટીમમાં જોડાઈ ગયો છે. સોમવારે ગુજરાત સામે 99 રનની શાનદાર જીત સાથે મુંબઈએ જીતના માર્ગે વાપસી કરી. વિલ જેક્સ બેટિંગ અને બોલિંગ બંનેમાં યોગદાન આપી શકે છે.
ગઈ સિઝનમાં મુંબઈ માટે કેવું પ્રદર્શન કર્યું?
2025ની IPLની છેલ્લી સીઝનમાં વિલ જેક્સે મુંબઈ ઈન્ડિયન્સ માટે 13 મેચ રમી હતી, જેમાં 11 ઈનિંગ્સમાં 23.30ની એવરેજ અને 135.46ના સ્ટ્રાઈક રેટથી 233 રન બનાવ્યા હતા, જેમાં 1 અડધી સદીનો સમાવેશ થાય છે. આ ઈંગ્લિશ બેટ્સમેનને 2025ની મેગા ઓક્શનમાં મુંબઈ ઈન્ડિયન્સે 5.25 કરોડમાં ખરીદ્યો હતો. ત્યારબાદ ટીમે જેક્સને આગામી સિઝન માટે રિટેન કર્યો. આ સિઝનમાં તે ફ્રેન્ચાઈઝ માટે કેવું પ્રદર્શન કરે છે તે જોવું રસપ્રદ રહેશે.
વિલ જેક્સનું IPL કરિયર
વિલ જેક્સે 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ તરફથી રમીને IPLમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ RCBએ તેને એક સીઝન પછી રિલીઝ કર્યો. પછીની સીઝનમાં તે મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયો. તેને અત્યાર સુધી ટુર્નામેન્ટમાં 21 મેચ રમી છે. 19 ઈનિંગમાં બેટિંગ કરતા તેણે 27.23ની સરેરાશ અને 152.80ના સ્ટ્રાઈક રેટથી 463 રન બનાવ્યા, જેમાં 1 સદી અને 2 અડધી સદીનો સમાવેશ થાય છે. તેને 13 ઈનિંગમાં 8 વિકેટ પણ લીધી.
આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો