સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમ હાલમાં પાકિસ્તાનના પ્રવાસે છે, જ્યાં બે ટેસ્ટ મેચની સિરીઝ રમાઈ રહી છે. પાકિસ્તાને પહેલી મેચ સરળતાથી જીતી લીધી હતી, પરંતુ હવે ટીમ બીજી મેચમાં જ અટવાઈ ગઈ હોય તેવું લાગે છે.
ખાસ વાત એ છે કે એક સમયે સાઉથ આફ્રિકાની ટીમ મુશ્કેલીમાં હતી, પરંતુ પછી છેલ્લી વિકેટ માટે એટલી લાંબી અને મોટી પાર્ટનરશીપ થઈ કે પાકિસ્તાની ટીમ અચાનક પાછળ પડી ગઈ. આ દરમિયાન ઝડપી બોલર કાગીસો રબાડાએ ઐતિહાસિક ઈનિંગ રમીને એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે.
કાગીસો રબાડાએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ફટકારી પહેલી અડધી સદી
સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર કાગીસો રબાડા તેની બોલિંગ માટે જાણીતો છે. પરંતુ એવું ભાગ્યે જ બને છે કે તેની બેટિંગ માટે કોઈ પ્રશંસા જોવા મળી હોય. પરંતુ તેને પાકિસ્તાન સામે રાવલપિંડી ટેસ્ટમાં કંઈક શાનદાર પ્રદર્શન કર્યું. તે 11મા નંબરે બેટિંગ કરવા આવ્યો અને 71 રન બનાવ્યા, જે તેની પહેલી ઈન્ટરનેશનલ અડધી સદી હતી. આ પહેલા તેને ટેસ્ટ ક્રિકેટમાં 47 રનની બેસ્ટ ઈનિંગ રમી હતી.
સાઉથ આફ્રિકા માટે 11મા ક્રમે રમાયેલી સૌથી વધુ ઈનિંગ
કાગીસો રબાડા હવે સાઉથ આફ્રિકા માટે 11મા નંબર પર બેટિંગ કરતી વખતે પોતાની ટીમ માટે સૌથી વધુ ઈનિંગ રમનાર બેટ્સમેન બની ગયો છે. એક સમયે એવું લાગતું હતું કે તે આ સ્થાન પર બેટિંગ કરતી વખતે સદી ફટકારનાર વિશ્વનો પહેલો બેટ્સમેન બનશે, પરંતુ એવું બન્યું નહીં. અત્યાર સુધી 11મા નંબર પર બેટિંગ કરતી વખતે સૌથી વધુ સ્કોર એશ્ટન અગર દ્વારા બનાવવામાં આવ્યો છે. 2013માં તેને 98 રન બનાવ્યા હતા અને માત્ર 2 રનથી ઈતિહાસ રચવાનું ચૂકી ગયો હતો. આ સાથે જાણી લો કે 11માં નંબર પર બેટિંગ કરતી વખતે પાકિસ્તાન સામે ટેસ્ટમાં કોઈપણ બેટ્સમેન દ્વારા આ સૌથી વધુ સ્કોર છે. રબાડાએ આ બાબતમાં રેકોર્ડ બનાવ્યો છે.
સેનુરન મુથુસામીએ પણ શાનદાર ઈનિંગ રમી
મેચની વાત કરીએ તો એક સમયે સાઉથ આફ્રિકા 8 વિકેટે 235 રન પર સંઘર્ષ કરી રહ્યું હતું. પરંતુ કેશવ મહારાજ, કાગીસો રબાડા અને સેનુરન મુથુસામીએ પાકિસ્તાનની લીડનો અંત લાવવા માટે ઉત્તમ ઈનિંગ રમી અને સાથે જ નોંધપાત્ર લીડ પણ બનાવી. 8 વિકેટે 235 રનથી ટીમે 404 રન બનાવ્યા. રબાડાના 71 રન અને સેનુરન મુથુસામીના અણનમ 89 રન મહત્વપૂર્ણ હતી. પહેલી મેચમાં હાર બાદ સાઉથ આફ્રિકા માટે આ એક નોંધપાત્ર વાપસી છે, જેનાથી પાકિસ્તાન પાછળ પડી ગયું છે.