એશિયા કપ 2025 પહેલા પોતાની તૈયારીઓની ચકાસણી કરવા માટે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને UAE ટીમો શારજાહમાં T20 ટ્રાઈ સિરીઝ રમી રહી છે. અત્યાર સુધી આ ટ્રાઈ સિરીઝની 2 મેચ રમાઈ છે.
આ 2 મેચમાં પાકિસ્તાનની ટીમે એક મેચમાં અફઘાનિસ્તાન અને બીજીમાં UAEની ટીમને હરાવ્યું છે. UAE સામે રમાયેલી મેચમાં પાકિસ્તાની ટીમ 20 ઓવરમાં 200 થી વધુ રન બનાવવામાં સફળ રહી હતી, જ્યારે મોહમ્મદ હારિસનો પોતાની ટીમ સામેની આ મેચનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેનું શરમજનક કૃત્ય કેમેરામાં રેકોર્ડ થયું હતું.
આઉટ થયા પછી મોહમ્મદ હારિસે પોતાનો ગુસ્સો બેટ પર કાઢ્યો
યુએઈ સામેની ટ્રાઈ સિરીઝની મેચમાં ટોસ જીત્યા બાદ પાકિસ્તાન ટીમે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો, જેના પછી 161 રનના સ્કોર પર તેમની પાંચમી વિકેટ ગુમાવી દીધી. પાકિસ્તાન ટીમ મોહમ્મદ હારિસ પાસેથી ઝડપી ઈનિંગની અપેક્ષા રાખી રહી હતી પરંતુ તે અપેક્ષાઓ પર ખરું ઉતરી શક્યો નહીં અને 2 બોલમાં માત્ર 1 રન બનાવીને આઉટ થઈ ગયો.
મોહમ્મદ હારિસને યુએઈના બોલર જુનૈદનો શિકાર બન્યો. આઉટ થયા પછી મોહમ્મદ હારિસ એટલો ગુસ્સે થયો કે તેને તરત જ પોતાનું બેટ જમીન પર પછાડીને તોડી નાખ્યું. મોહમ્મદ હારિસનું આ શરમજનક કૃત્ય કેમેરામાં પણ કેદ થઈ ગયું.
પાકિસ્તાને 2 મેચ જીતી અને પોઈન્ટ ટેબલમાં પહેલા સ્થાને
ટ્રાઈ સિરીઝની બંને શરૂઆતની મેચ જીત્યા બાદ પાકિસ્તાનની ટીમ હાલમાં 4 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. જ્યારે અફઘાનિસ્તાનની ટીમ બીજા સ્થાને છે, જ્યારે યજમાન UAE ત્રીજા સ્થાને છે. આ ટ્રાઈ સિરીઝની આગામી મેચ 1 સપ્ટેમ્બરે UAE અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે. પાકિસ્તાનની ટીમ તેની આગામી મેચ 2 સપ્ટેમ્બરે અફઘાનિસ્તાન સામે રમશે.