સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતને અફઘાનિસ્તાન સિરીઝ પહેલા મોટો ઝટકો લાગ્યો છે. BCCIએ અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ અને ODI સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે.
રિષભ પંતને ODI ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે, અને તેની પાસેથી ટેસ્ટ ટીમના વાઈસ કેપ્ટનનું પદ પણ છીનવી લેવામાં આવ્યું છે. આ દરમિયાન લાંબા સમય પછી ઈશાન કિશન ભારતની ODI ટીમમાં પાછો ફર્યો છે.
કેએલ રાહુલ નવો વાઈસ કેપ્ટન બન્યો
ભારત જૂનમાં અફઘાનિસ્તાન સામે એક ટેસ્ટ અને ત્રણ મેચની વનડે સિરીઝ રમશે. શુભમન ગિલ ટેસ્ટ ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે કેએલ રાહુલને નવા વાઈસ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રિષભ પંતે છેલ્લે ઓગસ્ટ 2024માં ભારત માટે એક વનડે રમી હતી. ત્યારથી તેને સતત 50 ઓવરની ટીમમાંથી બાકાત રાખવામાં આવ્યો છે.
આ વખતે પણ સિલેક્ટર્સે તેના પર વિશ્વાસ વ્યક્ત કર્યો નથી. આ દરમિયાન ઈશાન કિશનની વાપસી સ્પષ્ટપણે દર્શાવે છે કે ટીમ મેનેજમેન્ટ હવે મર્યાદિત ઓવરના ક્રિકેટમાં નવા કોમ્બિનેશન શોધવાનું વિચારી રહ્યું છે.
3 વર્ષ પછી ઈશાન કિશનનું કમબેક
ઈશાન કિશનની વાપસી પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઓક્ટોબર 2023 પછી ભારતની ODI ટીમમાં આ તેમનો પહેલો કોલ છે. ઘરેલુ ક્રિકેટ અને IPLમાં તેમના પ્રભાવશાળી પ્રદર્શન બાદ સિલેક્ટર્સે ફરી એકવાર તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ દરમિયાન આ નિર્ણય રિષભ પંત માટે એક મોટો ઝટકો છે. ટીમમાંથી બહાર થયા પછી અને ટેસ્ટ વાઈસ કેપ્ટનનું પદ ગુમાવ્યા પછી, તેમના પર મજબૂત વાપસી કરવાનું દબાણ વધી ગયું છે.
અજિત અગરકરે પંત વિશે મોટું નિવેદન આપ્યું
મુખ્ય સિલેક્ટર અજિત અગરકરે પંત વિશે મોટું નિવેદન આપ્યું છે. તેમને કહ્યું કે રિષભ પંત હજુ પણ ટેસ્ટ ટીમનો ખૂબ જ મહત્વપૂર્ણ ખેલાડી છે, પરંતુ ODI ફોર્મેટમાં ટીમ મેનેજમેન્ટ બે અલગ અલગ વિકલ્પો સાથે આગળ વધવા માગે છે. વાઈસ-કેપ્ટન અંગે અજિત અગરકરે કહ્યું કે રિષભ પંત હાલમાં સંપૂર્ણપણે તેની બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે, તેથી આ જવાબદારી અનુભવી કેએલ રાહુલને સોંપવામાં આવી છે, જેને અગાઉ ભારતીય ટીમનું નેતૃત્વ પણ કર્યું છે. સિનિયર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને 6 જૂનથી મુલાનપુરમાં શરૂ થનારી એકમાત્ર ટેસ્ટ મેચ માટે આરામ આપવામાં આવ્યો છે.
અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), સાઈ સુદર્શન, રિષભ પંત, દેવદત્ત પડિકલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રૃષ્ણા, માનવ સુથાર, ગુરનુર બરાડ, હર્ષ દુબે, ધ્રુવ જુરેલ.
અફઘાનિસ્તાન સામેની વનડે સિરીઝ માટે ભારતની ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, નીતીશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, પ્રિન્સ યાદવ, ગુરનૂર બરાડ, હર્ષ દુબે.
આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?
