રજત પાટીદારની કેપ્ટનશીપ હેઠળ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ તેમનું પહેલું IPL ટાઈટલ જીત્યું. તેને આ વર્ષે સેન્ટ્રલ ઝોન ટીમને દુલીપ ટ્રોફીનો ખિતાબ પણ અપાવ્યો.
આગામી રણજી ટ્રોફી સીઝન પહેલા રજત પાટીદારને તમામ ફોર્મેટમાં મધ્યપ્રદેશના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. 2025-26 રણજી ટ્રોફીની પહેલી મેચ 15 ઓક્ટોબરે ઈન્દોરમાં મધ્યપ્રદેશ અને પંજાબ વચ્ચે રમાશે.
શુભમ શર્માની જગ્યાએ રજત પાટીદાર બન્યો કેપ્ટન
આ ઘરેલુ ટુર્નામેન્ટ માટે સિલેક્ટર્સે 32 વર્ષના બેટ્સમેન રજત પાટીદારને મધ્યપ્રદેશ ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે. આ પહેલા મધ્યપ્રદેશનું નેતૃત્વ શુભમ શર્મા કરતો હતો, પરંતુ રજત પાટીદારે તેનું સ્થાન લીધું છે. મીડિયા રિપોર્ટ મુજબ મધ્યપ્રદેશના ક્રિકેટ ડિરેક્ટર ચંદ્રકાંત પંડિતે તેને આ જવાબદારી સોંપી છે.
મધ્યપ્રદેશની ટીમ સૈયદ મુશ્તાક ટુર્નામેન્ટની ફાઈનલમાં પહોંચી
ગયા સિઝનમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રજત પાટીદારને પહેલી વાર કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. તેને મધ્યપ્રદેશને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ફાઈનલમાં પહોંચાડ્યું હતું, પરંતુ ટીમ આખરે મુંબઈ સામે હારી ગઈ હતી. તે ટુર્નામેન્ટમાં બીજા નંબરે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. તે ટુર્નામેન્ટમાં રજતે 10 મેચમાં 61 ની એવરેજથી 428 રન બનાવ્યા હતા અને 5 અડધી સદી ફટકારી હતી.
દુલીપ ટ્રોફીમાં રજત પાટીદારે મચાવી ધૂમ
IPLમાં તેની કેપ્ટનશીપ હેઠળ રજત પાટીદારે RCB ને તેમનું પ્રથમ IPL ટાઈટલ અપાવ્યું. RCBએ તેના 18 વર્ષના IPL ઈતિહાસમાં આ પહેલી વાર ટાઈટલ જીત્યું હતું. રજત પાટીદારે તાજેતરમાં દુલીપ ટ્રોફી ટુર્નામેન્ટમાં પણ બેટથી સારું પ્રદર્શન કર્યું હતું. તેને 5 ઈનિંગમાં 382 રન બનાવ્યા હતા, જેમાં 2 સદી અને 2 અડધી સદી ફટકારી છે. તેને સાઉથ ઝોન સામેની ફાઈનલ મેચમાં શાનદાર સદી ફટકારી હતી.
ઈરાની કપમાં રેસ્ટ ઓફ ઈન્ડિયાના કેપ્ટન હતો રજત પાટીદાર
ગયા અઠવાડિયે તેને ઈરાની કપમાં રેસ્ટ ઓફ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી, જ્યાં તેઓ વિદર્ભ સામે ટકરાયા, જ્યાં તેઓ હારી ગયા. રજત પાટીદારે ફાઈનલમાં 66 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી. 2024-25 રણજી ટ્રોફી સીઝનમાં રજતે 11 ઈનિંગમાં 48 ની એવરેજથી 529 રન બનાવ્યા. આ દરમિયાન તેને 1 સદી અને 3 અડધી સદી ફટકારી.