ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે યોજાતો T20 વર્લ્ડકપ 7 ફેબ્રુઆરીથી શરૂ થવાનો છે. યુએસએ ક્રિકેટ ટીમ સહિત 20 ટીમો ભાગ લઈ રહી છે. 2024ના T20 વર્લ્ડકપમાં યુએસએ સુપર 8માં પહોંચીને મેગા ઈવેન્ટમાં સીધું સ્થાન મેળવ્યું હતું, જેમાં એરોન જોન્સે બેટથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.


આગામી મેગા ઈવેન્ટ પહેલા યુએસએને મોટો ઝટકો લાગ્યો છે, મેચ ફિક્સિંગ અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે. આરોપો બાદ ICCએ એરોન જોન્સને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે.

એરોન જોન્સને આરોપોનો જવાબ આપવા માટે 14 દિવસનો સમય આપવામાં આવ્યો

એરોન જોન્સના સસ્પેન્શનને લઈને 29 જાન્યુઆરીએ ICC દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે તેમના પર મેચ ફિક્સિંગ અને ભ્રષ્ટાચારના 5 ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. આમાંથી 3 આરોપો 2023-24માં રમાયેલી બાર્બાડોસ સ્થિત BIM10 T20 ટુર્નામેન્ટ સાથે સંબંધિત છે.

એક ગંભીર આરોપ એ છે કે એરોન જોન્સે મેચના પરિણામ અથવા અન્ય કોઈપણ પાસાને પ્રભાવિત કરવાના કાવતરામાં સામેલ થવાનો પ્રયાસ કર્યો હતો. ICCએ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી એરોન જોન્સને ક્રિકેટ સંબંધિત તમામ પ્રવૃત્તિઓમાંથી સસ્પેન્ડ કરી દીધો છે, અને તેને આ બધા આરોપોનો જવાબ આપવા માટે 14 દિવસનો સમય આપવામાં આવ્યો છે.

અમેરિકાએ હજુ સુધી પોતાની ટીમની કરી નથી જાહેરાત

T20 વર્લ્ડકપ 2026માં ભાગ લેનારી મોટાભાગની 20 ટીમોએ તેમની ટીમોની જાહેરાત કરી દીધી છે, પરંતુ યુએસએ ટીમની જાહેરાત હજુ બાકી છે. આગામી મેગા ઈવેન્ટ માટે યુએસએ ટીમને ગ્રુપ A માં મૂકવામાં આવી છે, જેમાં યજમાન ભારત, નામિબિયા, નેધરલેન્ડ અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે. યુએસએ ટીમ 7 ફેબ્રુઆરીએ ભારત સામે પોતાની પહેલી મેચ રમશે. એરોન જોન્સે અત્યાર સુધીમાં 48 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે, જેમાં 24.06 ની એવરેજથી 770 રન બનાવ્યા છે, જેમાં 2 અડધી સદી ફટકારી છે.

આ પણ વાંચો: ICC Rankings: ચોથી T20I પછી ભારત અને ન્યુઝીલેન્ડનું કેવું છે રેન્કિંગ, જાણો


  • Follow us on: