T20 વર્લ્ડકપ 2026માં અત્યાર સુધીમાં 10 મેચ રમાઈ છે. પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમને હજુ સુધી એક પણ મેચ રમવાની તક મળી નથી. કાંગારૂ ટીમ આ વર્લ્ડકપમાં તેના અભિયાનની શરૂઆત 11 ફેબ્રુઆરીએ આયર્લેન્ડ સામેની મેચથી કરશે.
ઓસ્ટ્રેલિયાના અભિયાનની શરૂઆત પહેલા ઓસ્ટ્રેલિયન ટીમને મોટો ઝટકો પડ્યો છે. ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ટિમ ડેવિડ ઈજાને કારણે આ મેચમાંથી બહાર થઈ ગયો છે.
ટિમ ડેવિડ આયર્લેન્ડ સામે રમશે નહીં
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિચેલ માર્શે પણ પુષ્ટિ આપી છે કે ટિમ ડેવિડ આયર્લેન્ડ મેચમાં રમશે નહીં. તે હજુ સુધી હેમસ્ટ્રિંગની ઈજામાંથી સ્વસ્થ થયો નથી. તેથી ઓસ્ટ્રેલિયન ટીમ મેનેજમેન્ટ ટિમ ડેવિડને ઝડપી કાર્યવાહીમાં લાવવા માગતું નથી અને તેને ફિટ થવા માટે પૂરતો સમય આપવા માગે છે. ટિમ ડેવિડે ગયા વર્ષે બોક્સિંગ ડે પછી એક પણ મેચ રમી નથી.
બિગ બેશ લીગમાં હોબાર્ટ હરિકેન્સ માટે બેટિંગ કરતી વખતે તેને ઈજા થઈ હતી. ટિમ ડેવિડ ગયા અઠવાડિયે શ્રીલંકામાં ઓસ્ટ્રેલિયન ટીમમાં જોડાયો હતો. ત્યારથી તેને જોરદાર ટ્રેનિંગ લીધી છે, પરંતુ મેચ રમવા માટે તે સંપૂર્ણપણે ફિટ નથી.
ટિમ ડેવિડની જગ્યાએ મેટ રેનશોને મળી શકે છે તક
મેચ પહેલાની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મિચેલ માર્શને ટિમ ડેવિડ વિશે પૂછવામાં આવ્યું હતું. તેને જવાબ આપ્યો કે "આગામી કેટલીક મેચોમાં અમે ચોક્કસપણે તેને ફરીથી રમતા જોઈશું." માર્શે પ્રેસ કોન્ફરન્સમાં આયર્લેન્ડ સામેની મેચ માટે પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી ન હતી. પરંતુ એવું માનવામાં આવે છે કે જો ટિમ ડેવિડને બહાર થશે, તો મેટ રેનશોને તેના સ્થાને સામેલ કરવામાં આવી શકે છે. રેનશો અત્યાર સુધી ફક્ત 3 T20 મેચ રમ્યો છે.
નાથન એલિસ સંપૂર્ણપણે ફિટ
આ મેચ પહેલા ઓસ્ટ્રેલિયાને પણ કેટલાક સારા સમાચાર મળ્યા. સ્ટાર ફાસ્ટ બોલર નાથન એલિસ ઈજામાંથી સ્વસ્થ થઈ ગયો છે અને આ મેચ માટે સંપૂર્ણપણે ફિટ છે. 2011 પછી પહેલીવાર વર્લ્ડકપમાં મિચેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ અને પેટ કમિન્સની ગેરહાજરીમાં નાથન એલિસ ફાસ્ટ બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરશે. હેઝલવુડ અને કમિન્સ ઈજાઓને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા હતા, જ્યારે સ્ટાર્ક T20 ઈન્ટરનેશનલ મેચોમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. આ વર્લ્ડકપમાં નાથન એલિસની સાથે ફાસ્ટ બોલર ઝેવિયર બાર્ટલેટ અને બેન દ્વારશુઈસ પણ રહેશે.
આ પણ વાંચો: ICCએ ન સ્વીકારી પાકિસ્તાનની કોઈપણ શરત, આપ્યું ફાઈનલ અલ્ટીમેટમ