T20 ક્રિકેટમાં તાજેતરના સમયમાં ભારતીય બેટ્સમેનોએ જબરદસ્ત પાવર-હિટિંગનું પ્રદર્શન કર્યું છે. અભિષેક શર્મા, ઈશાન કિશન, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા અને શિવમ દુબે જેવા ખેલાડીઓ સતત મોટા શોટ ફટકારે છે, જેનાથી તેમની બેટિંગ અલગ પડે છે.
શ્રીલંકાના બેટ્સમેન ભાનુકા રાજપક્ષેએ ટીમ ઈન્ડિયાના પ્રદર્શનને જોઈને એક આશ્ચર્યજનક નિવેદન આપ્યું છે. ભાનુકા રાજપક્ષેએ એવો દાવો કર્યો છે કે ભારતીય ટીમની શક્તિશાળી બેટિંગ ખાસ બેટને કારણે છે.
ભાનુકા રાજપક્ષેએ લગાવ્યા ગંભીર આરોપ
ભાનુકા રાજપક્ષેએ તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન એક ચોંકાવનારો દાવો કર્યો, જેમાં ભારતીય બેટ્સમેન દ્વારા ઉપયોગમાં લેવાતા બેટને લઈને સવાલો ઉભા થયા હતા. ભાનુકા રાજપક્ષેએ જણાવ્યું હતું કે ભારતીય ખેલાડીઓ ખાસ બેટનો ઉપયોગ કરી રહ્યા છે જે અન્ય ટીમોના ખેલાડીઓ માટે ઉપલબ્ધ નથી અને આ બેટ સામાન્ય બેટ કરતા વધુ શક્તિશાળી સાબિત થઈ રહ્યા છે. ભારતીય બેટ્સમેનોના બેટ એટલા અદ્યતન છે કે તેમના પર રબરનો પડ ઢંકાયેલો જોવા મળે છે.
આ ઈન્ટરવ્યૂમાં જ્યારે ભાનુકા રાજપક્ષેને પૂછવામાં આવ્યું કે ભારતીય બેટ્સમેનોએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પાવર-હિટિંગની રમત કેવી રીતે બદલી નાખી છે, ત્યારે ભાનુકા રાજપક્ષેએ જવાબ આપ્યો કે "ભારતીય ખેલાડીઓ પાસે જે બેટ છે તે અહીં ઉપલબ્ધ બેસ્ટ બેટ કરતાં ઘણા સારા છે. એવું લાગે છે કે તેમના પર રબરનો પડ લગાવવામાં આવ્યો છે. મને સમજાતું નથી કે તે કેવી રીતે શક્ય છે. અન્ય લોકો આ બેટ પણ ખરીદી શકતા નથી, બધા ખેલાડીઓ તે જાણે છે." પરંતુ ICCના નિયમો અનુસાર બેટને કોઈપણ સામગ્રીથી કોટ કરી શકાતું નથી.
T20Iમાં ટીમ ઈન્ડિયાનો દબદબો
T20 વર્લ્ડકપ 2024 પછી ટીમ ઈન્ડિયાએ પાવર-હિટિંગ અપનાવ્યું છે. તેઓ લગભગ દરેક મેચમાં ઝડપી ગતિએ રન બનાવવાનો પ્રયાસ કરે છે, અને ઘણી વખત 250થી વધુ રનનો આંકડો પણ પાર કરી ચૂક્યા છે. વધુમાં ટીમ ઈન્ડિયા 200થી વધુ રન સૌથી વધુ વખત બનાવવાના ચાર્ટમાં આગળ છે. વધુમાં ભારતીય ટીમે સૌથી વધુ મેચો પણ જીતી છે.
આ પણ વાંચો: ICCએ ન સ્વીકારી પાકિસ્તાનની કોઈપણ શરત, આપ્યું ફાઈનલ અલ્ટીમેટમ