T20 વર્લ્ડકપમાં કેનેડાની સફરનો અંત આવી રહ્યો છે, ત્યારે એક ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. કેનેડાના ભૂતપૂર્વ કેપ્ટન નવનીત ધાલીવાલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. 37 વર્ષીય બેટ્સમેન 19 ફેબ્રુઆરીએ ચેન્નાઈમાં અફઘાનિસ્તાન સામે પોતાની છેલ્લી મેચ રમશે. ન્યુઝીલેન્ડ સામેની હાર બાદ સુપર 8માં પહોંચવાની કેનેડાની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. ન્યૂઝીલેન્ડ સામેની છેલ્લી મેચમાં તે ફક્ત 10રન બનાવી શક્યો હતો. તેના તરત જ, ધાલીવાલે સ્પષ્ટ કર્યું કે આ તેનો છેલ્લો વર્લ્ડ કપ હશે અને અફઘાનિસ્તાન સામેની મેચ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ હશે. તેણે કહ્યું કે તેણે ટુર્નામેન્ટમાં પ્રવેશતા પહેલા આ નિર્ણય લીધો હતો.
રેકોર્ડ્સ અને યાદગાર કરિયર
1988માં ચંદીગઢમાં જન્મેલા નવનીત ઘણા વર્ષો પહેલા કેનેડા ગયા હતા, જ્યાં તેનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાનું સ્વપ્ન સાકાર થયું હતું.2015માં આંતરરાષ્ટ્રીય કારકિર્દી શરૂ કરનાર ધાલીવાલે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેનેડાના સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. 48 ટી20 મેચોમાં 46 ઇનિંગ્સમાં, તેમણે 32.62 ની સરેરાશ અને 129.20 ના સ્ટ્રાઇક રેટથી 1305રન બનાવ્યા છે, જેમાં 10અડધી સદીનો સમાવેશ થાય છે. તેમણે 29 ટી20 મેચ અને ચાર વનડે મેચમાં કેનેડાનું નેતૃત્વ કર્યું, જેમાં ટીમને 21 ટી20 મેચમાં જીત અપાવી. 2024ટી20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થવું અને વર્લ્ડ કપની પહેલી મેચમાં 44 બોલમાં 61 રન બનાવવા એ તેમની કારકિર્દીની સૌથી યાદગાર ક્ષણોમાંની એક હતી.













