T20 વર્લ્ડકપ 2026 માં શાનદાર પ્રદર્શન કરતા સુપર 8 રાઉન્ડમાં પોતાનું સ્થાન પહેલેથી જ નિશ્ચિત કરી ચૂકેલી ભારતીય ક્રિકેટ ટીમ આજે અમદાવાદના મેદાન પર નેધરલેન્ડ્સ સામે ટકરાવા જઈ રહી છે. આ અંતિમ ગ્રુપ મેચ પહેલા ટીમ મેનેજમેન્ટની રણનીતિ અંગે ચર્ચા કરવા માટે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ભારતના બેટિંગ કોચ સિતાંશુ કોટકે સ્પષ્ટ કરી દીધું છે કે, સુપર 8 ની મહત્વપૂર્ણ મેચો પહેલા ટીમ પોતાની વિજયી લય જાળવી રાખવા માંગે છે, તેથી આ મેચમાં સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને પ્લેઇંગ 11 માંથી આરામ આપવામાં આવે તેવી સંભાવના નહિવત છે.
બુમરાહનું ફોર્મ અને વર્કલોડ મેનેજમેન્ટ
ટીમ ઈન્ડિયા ભલે પોઈન્ટ ટેબલમાં મજબૂત સ્થિતિમાં હોય, પરંતુ મેનેજમેન્ટ વર્લ્ડ કપ જેવી મેગા ઇવેન્ટમાં કોઈપણ વિરોધી ટીમને હળવાશથી લેવાની ભૂલ કરવા માંગતું નથી. કોટકે સ્પષ્ટ કર્યું કે, હાલની પરિસ્થિતિ જોતા એવું જરાય નથી લાગતું કે બુમરાહને આ તબક્કે આરામ આપવામાં આવશે. જોકે પિચ અને ખેલાડીઓની સ્થિતિ જોયા બાદ અંતિમ નિર્ણય લેવાશે.નોંધનીય છે કે, પાકિસ્તાન સામે રમાયેલી અગાઉની હાઈ વોલ્ટેજ મેચમાં બુમરાહનું પ્રદર્શન એકદમ ઘાતક અને મેચ વિનિંગ રહ્યું હતું. તેણે ખતરનાક ફોર્મમાં ચાલી રહેલા સેમ અયુબ અને પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગાની મહત્વપૂર્ણ વિકેટો ઝડપીને પાકિસ્તાનની કમર તોડી નાખી હતી. બુમરાહની આ શરૂઆતી સફળતાના કારણે જ ભારતે પાકિસ્તાન સામે 61 રનથી ઐતિહાસિક અને વ્યાપક વિજય મેળવ્યો હતો. જોકે, ભવિષ્યની મેચોને ધ્યાનમાં રાખીને ભારતીય સ્પોર્ટ્સ સાયન્સ અને મેડિકલ ટીમ બુમરાહના વર્કલોડ પર સતત નજર રાખી રહી છે.













