વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વે વચ્ચે T20 વર્લ્ડકપ સુપર-8 મેચ 23 ફેબ્રુઆરીએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઝિમ્બાબ્વેએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. તેમનો આ નિર્ણય સંપૂર્ણપણે ખોટો સાબિત થઈ રહ્યો છે. વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત સારી ન હતી. ઓપનર બ્રાન્ડન કિંગ ત્રીજી ઓવરમાં પેવેલિયન પરત ફર્યો.


આ પછી બેટિંગ કરવા આવેલો શિમરોન હેટમાયર ઝડપી ઈનિંગ રમ્યો. તેને માત્ર 19 બોલમાં અડધી સદી ફટકારી. હેટમાયર હવે T20 વર્લ્ડકપમાં વેસ્ટ ઈન્ડિઝ માટે સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે.

હેટમાયરે એઈન માર્કરામની કરી બરાબરી

પોતાની અડધી સદીની ઈનિંગ દરમિયાન શિમરોન હેટમાયરે 4 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા. આ વિસ્ફોટક ઈનિંગને કારણે શિમરોન હેટમાયરે T20 વર્લ્ડકપ 2026માં સૌથી ઝડપી અડધી સદી ફટકારવાના રેકોર્ડની બરાબરી કરી. સાઉથ આફ્રિકાના એડન માર્કરામે આ વર્લ્ડકપમાં 19 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેને ન્યુઝીલેન્ડ સામે આ સિદ્ધિ હાંસલ કરી હતી.

શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ પણ ઓમાન સામેની મેચમાં 19 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. ભારતના ઓપનિંગ બેટ્સમેન ઈશાન કિશને નામિબિયા સામે 20 બોલમાં અડધી સદી ફટકારી હતી. તે બીજા સ્થાને છે.

શિમરોન હેટમાયરે પોતાનો જ રેકોર્ડ તોડ્યો

આ સાથે શિમરોન હેટમાયર T20 વર્લ્ડકપના ઈતિહાસમાં વેસ્ટ ઈન્ડિઝ માટે સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. આ બાબતમાં તેને પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે. તેને T20 વર્લ્ડકપની સુપર-8 મેચમાં ઝિમ્બાબ્વે સામે માત્ર 19 બોલમાં અડધી સદી ફટકારી હતી.

આ જ વર્લ્ડકપમાં શિમરોન હેટમાયર ચાલુ ટુર્નામેન્ટમાં સ્કોટલેન્ડ સામે 22 બોલમાં અડધી સદી ફટકારી હતી. આ પહેલા ક્રિસ ગેલે 2009માં ઓસ્ટ્રેલિયા સામે 23 બોલમાં 50 રન બનાવ્યા હતા. શાઈ હોપે 2024 માં યુએસએ સામે 26 બોલમાં 50 રન બનાવ્યા હતા અને ક્રિસ ગેલે 2012 માં ઓસ્ટ્રેલિયા સામે 26 બોલમાં 50 રન બનાવ્યા હતા.

હેટમાયર 85 રન બનાવીને થયો આઉટ

આ મેચમાં શિમરોન હેટમાયરે 34 બોલમાં 85 રન ફટકાર્યા હતા. આ ઈનિંગ દરમિયાન તેને 7 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ 250 હતો. હેટમાયરની વિસ્ફોટક ઈનિંગને કારણે વેસ્ટ ઈન્ડીઝની ટીમે આ મેચમાં મજબૂત સ્થાન મેળવ્યું છે.

આ પણ વાંચો: Nepalએ પાકિસ્તાનને છોડ્યું પાછળ, T20 વર્લ્ડકપમાં સર્જાયો મોટો અપસેટ

  • Follow us on: