T20 વર્લ્ડકપ 2026ના બીજા તબક્કાનું સમાપન થવા જઈ રહ્યું છે.હાલ સુપર 8ની મેચ રમાઈ રહી છે અને જલદી જ સેમિફાઈનલની ચારેય ટીમો ફાઈનલ થઈ જશે. ત્યારે ચાલો જાણીએ કે, ટી20 વર્લ્ડ કપ 2026ની સેમિફાઈનલ મેચો ક્યારથી શરૂ થશે. સાથે મેચના વેન્યુ વિશે પણ જાણકારી મેળવીએ.
સુપર 8ની છેલ્લી મેચ એક માર્ચે રમાશે.
આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2026માં સુપર 8ની છેલ્લી મેચ એક માર્ચે રમાશે.આ દિવસે બે મેચ રમાશે. પહેલા સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વે વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ટક્કર થશે.ત્યાર બાદ બીજી મેચ ભારત અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે રમાશે.આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં યોજાશે. સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વેની મેચ ઔપચારિક છે,કેમ કે ઝિમ્બાબ્વેની ટીમ પહેલાથી જ બહાર થઈ ચૂકી છે,જ્યારે સાઉથ આફ્રિકાની ટીમે સેમિફાઈનલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે,પરંતુ ભારત અને વેસ્ટઇન્ડીઝની મેચ ખૂબ જ મહત્વની છે. આ મેચથી ખબર પડશે કે, આ બંનેમાંથી કોણ સેમિફાઈનલમાં જશે.
4 માર્ચે રમાશે T20 વર્લ્ડકપ 2026ની પહેલી સેમિફાઈનલ
ત્યાર બાદ શરૂ થશે સેમિફાઈનલનો તબક્કો.બે સેમિફાઈનલમાંથી પહેલી મેચ 4 માર્ચે રમાશે. એટલે કે, એક માર્ચે સુપર 8ની મેચ પૂરી થયા પછી બે દિવસનો ગેપ હશે. જો કે હજુ સુધી એ નક્કી થયું નથી કે, કઈ બે ટીમો આ દિવસે ટકરાશે. સાથે જ એ પણ નક્કી થયું નથી કે, આ મેચ ક્યાં રમાશે. કેમ કે હજુ પાકિસ્તાનની સ્થિતિ સ્પષ્ટ થઈ નથી.પાકિસ્તાનની ટીમ જો સેમિફાઈનલમાં પહોંચી જાય તો આ મેચ શ્રીલંકામાં રમાશે. જો કે એવી શક્યતા ખૂબ જ ઓછી છે કે પાકિસ્તાન ટીમ અંતિમ ચારમાં પહોંચશે. એવામાં શ્રીલંકામાં સેમિફાઈનલ રમાઈ તેની શક્યતા પૂરી થઈ જશે. જો પાકિસ્તાનની ટીમ સેમિફાઇનલમાં નહીં પહોંચે તો આ મેચ કોલકાતામાં રમાશે.
5 માર્ચે બીજી સેમિફાઈનલ
ત્યાર બાદ તેના આગલા દિવસે બીજી સેમિફાઈનલ રમાશે. એટલે કે 5 માર્ચે આ મેચ રમાશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. જો કે તેની ટીમો પણ હજુ ફાઈનલ થઈ નથી, પરંતુ વેન્યુની જાહેરાત કરી દેવામાં આવી છે. જો ટીમ ઇન્ડિયાએ સેમિફાઇનલમાં પોતાની જગ્યા બનાવી તો તે અહીં જ પોતાની સેમિફાઈનલ મેચ રમતી જોવા મળશે. તમને યાદ અપાવી દઈએ કે, બંને સેમિફાઈનલ સાંજે સાત વાગ્યાથી શરૂ થશે.