ભારત અને એશિયામાં એશિયા કપની તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન ICC એ એક મોટું કામ કર્યું છે. T20 વર્લ્ડકપ આવતા વર્ષે યોજાવાનો છે. તે ફેબ્રુઆરીથી માર્ચ દરમિયાન યોજાવાનું પહેલાથી જ નક્કી હતું, પરંતુ હવે સંભવિત તારીખો પણ બહાર આવી ગઈ છે.


આ વર્ષના T20 વર્લ્ડકપમાં કુલ 20 ટીમો ભાગ લેશે અને તેનું આયોજન ભારત તેમજ શ્રીલંકા દ્વારા કરવામાં આવી રહ્યું છે.

7 ફેબ્રુઆરીથી 8 માર્ચ દરમિયાન T20 વર્લ્ડકપનું થઈ શકે છે આયોજન

વર્ષ 2026 માં યોજાનાર T20 વર્લ્ડકપની મેચો ભારત અને શ્રીલંકામાં યોજાશે. પરંતુ તેનું શેડ્યૂલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી અને ન તો કઈ મેચ ક્યાં યોજાશે તે જાણી શકાયું છે, પરંતુ હવે સંભવિત તારીખો બહાર આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ વર્લ્ડકપ 7 ફેબ્રુઆરીથી 8 માર્ચ દરમિયાન યોજાઈ શકે છે.

ICC એ હજુ સુધી આ અંગે કોઈ જાહેરાત કરી નથી. એટલે કે ક્રિકેટનો ઉત્સાહ આખા મહિના સુધી ચાલુ રહેશે અને આ પછી 8 માર્ચે એક નવો ચેમ્પિયન પણ મળશે. હાલમાં ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડકપ વિજેતા છે. ભારતે 2024માં ફાઈનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને ટાઈટલ જીત્યું હતું.

ફાઈનલના સ્થળ અંગે હજુ સુધી લેવામાં આવ્યો નથી નિર્ણય

આ દરમિયાન એ વાત લગભગ નક્કી છે કે પાકિસ્તાની ટીમ તેની બધી મેચ શ્રીલંકામાં રમશે. અત્યાર સુધી જે સમાચાર આવ્યા છે તેમાં જાણવા મળ્યું છે કે ફાઈનલ મેચ અમદાવાદ કે કોલંબોમાં રમાશે. વાસ્તવિક સ્થળ તેના પર નિર્ભર રહેશે કે પાકિસ્તાની ટીમ ફાઈનલ રમે છે કે વહેલા બહાર થઈ જાય છે. એવું જાણવા મળ્યું છે કે ICC દ્વારા તારીખો નક્કી કરવામાં આવી રહી છે અને શેડ્યૂલ તૈયાર કરવામાં આવી રહ્યું છે, અને તેમાં ભાગ લેનારી બધી ટીમોના બોર્ડને તેના વિશે જાણ કરવામાં આવી છે.

આ વખતે પણ વર્લ્ડકપ T20 ફોર્મેટ પર રમાશે

જ્યારે છેલ્લો T20 વર્લ્ડકપ 2024 માં યોજાયો હતો, ત્યારે પણ તેમાં 20 ટીમો ભાગ લઈ રહી હતી. એવું માનવામાં આવે છે કે આ વખતે પણ ફોર્મેટ એ જ રહેશે. એટલે કે બધી 20 ટીમોને 5-5ના ગ્રુપમાં વહેંચવામાં આવશે. એટલે કે કુલ ચાર ગ્રુપ બનાવવામાં આવશે. દરેક ગ્રુપની ટોપ 2 ટીમો સુપર એઈટમાં પહોંચશે. આ પછી ચાર ટીમો સેમીફાઈનલ રમશે અને ફાઈનલ મેચ વિજેતા ટીમો વચ્ચે થશે.

અત્યાર સુધીમાં આ 15 ટીમોએ પોતાનું સ્થાન કરી લીધું છે કન્ફર્મ

આ વખતે T20 વર્લ્ડકપમાં ભાગ લેનારી 20 ટીમોમાંથી 15 ટીમોના નામ નક્કી થઈ ગયા છે. આમાં ભારત, શ્રીલંકા, અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, યુએસએ, વેસ્ટ ઈન્ડિઝ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, આયર્લેન્ડ, કેનેડા, નેધરલેન્ડ અને ઈટાલીની ટીમોનો સમાવેશ થાય છે. બાકીની પાંચ ટીમોમાંથી 2 આફ્રિકા ક્વોલિફાયરમાંથી અને 3 એશિયા અને પૂર્વ એશિયા પેસિફિક ક્વોલિફાયરમાંથી આવશે.


  • Follow us on: