ભારતે બીજી ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 7 વિકેટથી હરાવીને સિરીઝ 2-0થી જીતી લીધી. વેસ્ટ ઈન્ડિઝની ટીમે આ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાને ચોક્કસપણે કઠિન લડાઈ આપી હતી, પરંતુ અંતે ભારતીય ટીમે જીત મેળવી.


આ જીત સાથે ટીમ ઈન્ડિયા હવે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ મેચ જીતવાના મામલે બીજા સ્થાને પહોંચી ગઈ છે. આ બાબતમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને પાછળ છોડી દીધું છે.

ઓસ્ટ્રેલિયાનો છે આ ખાસ રેકોર્ડ

ઓસ્ટ્રેલિયા એવી ટીમ છે જેણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ મેચ જીતી છે. ઓસ્ટ્રેલિયાની ટીમે અત્યાર સુધીમાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 2107 મેચ રમી છે, જેમાં તેને 1158 મેચ જીતી છે. ભારત આ લિસ્ટમાં બીજા સ્થાને છે. ભારતીય ટીમે અત્યાર સુધીમાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 1916 મેચ રમી છે, જેમાંથી ટીમ ઈન્ડિયાએ 922 મેચ જીતી છે.

ઈંગ્લેન્ડની ટીમ આ લિસ્ટમાં ત્રીજા નંબરે છે. તેને અત્યાર સુધીમાં 2117 મેચ રમી છે, જેમાંથી તેને 921 મેચ જીતી છે. હાલમાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ મેચ જીતવાના મામલે ફક્ત ઓસ્ટ્રેલિયા જ ભારતથી આગળ છે.

ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ જીત મેળવનાર ટીમો

1158 - ઓસ્ટ્રેલિયા (2107 મેચ)

922* - ભારત (1916 મેચ)

921 - ઈંગ્લેન્ડ (2117 મેચ)

831 - પાકિસ્તાન (1735 મેચ)

719 - સાઉથ આફ્રિકા (1375 મેચ)

ટીમ ઈન્ડિયાની શાનદાર જીત

વેસ્ટ ઈન્ડિઝ અને ભારત વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. પહેલા બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ પહેલી ઈનિંગમાં 5 વિકેટ ગુમાવીને 518 રન બનાવીને પોતાની ઈનિંગ ડિકલેર કરી. આ પછી વેસ્ટ ઈન્ડિઝની ટીમ પહેલી ઈનિંગમાં 248 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને પછી ટીમ ઈન્ડિયાએ ફોલો-ઓન લાગુ કર્યું. આ પછી વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોએ બીજી ઈનિંગમાં લડત આપી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી જોન કેમ્પબેલ અને શાઈ હોપે બીજી ઈનિંગમાં સદી ફટકારી. આખી ટીમ 390 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને વેસ્ટ ઈન્ડિઝે ટીમ ઈન્ડિયાને 121 રનનો ટાર્ગેટ આપ્યો.

કેએલ રાહુલે ફટકારી અડધી સદી

ટીમ ઈન્ડિયાએ 121 રનનો ટાર્ગેટ 35.2 ઓવરમાં હાંસલ કરી લીધો. ભારત તરફથી બીજી ઈનિંગમાં કેએલ રાહુલે અણનમ 58 રન બનાવ્યા. સાઈ સુદર્શને 39 રન, શુભમન ગિલે 13 રન અને ધ્રુવ જુરેલે અણનમ 6 રન બનાવ્યા. કુલદીપ યાદવે આ મેચમાં શાનદાર બોલિંગ કરી, 8 વિકેટ લીધી. આ માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો. રવિન્દ્ર જાડેજાને તેના ઉત્તમ ઓલરાઉન્ડ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો.


  • Follow us on: