ICC અંડર-19 વર્લ્ડકપ 2026ના સુપર સિક્સ મેચમાં ભારત અને પાકિસ્તાન રમી રહ્યા છે. બુલાવાયોમાં રમાઈ રહેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ હારી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતીય ઈનિંગની શરૂઆત કરવા આવેલા સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.


વૈભવ આ મેચમાં મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ ગયો, તેને 30 રન બનાવ્યા. આ ટૂંકી ઈનિંગ છતાં તેને આ સંદર્ભમાં ભારતીય ટેસ્ટ અને ODI કેપ્ટન શુભમન ગિલને પાછળ છોડીને એક મોટો રેકોર્ડ બનાવ્યો છે.

વૈભવ સૂર્યવંશી 30 રન બનાવીને આઉટ થયો

પાકિસ્તાન સામેની મહત્વપૂર્ણ મેચમાં ઈનિંગની શરૂઆત કરતા વૈભવ સૂર્યવંશીએ ભારતને મજબૂત શરૂઆત અપાવી. તેને 136.36ના સ્ટ્રાઈક રેટથી 22 બોલમાં 30 રન બનાવ્યા, જેમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો. પરંતુ તે ફરી એકવાર પાકિસ્તાન સામે મોટી ઈનિંગ રમી શક્યો નહીં. પાકિસ્તાન સામે વૈભવ ચોથી મેચ રમ્યો હતો, અને ફેન્સ તેની પાસેથી મોટી ઈનિંગની અપેક્ષા રાખતા હતા.

તમને જણાવી દઈએ કે વૈભવનો પાકિસ્તાન સામે 30 રન તેનો અત્યાર સુધીનો હાઈએસ્ટ સ્કોર છે. આ પહેલા તેને U19 એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાન સામે 26 રન બનાવ્યા હતા. વૈભવે અત્યાર સુધી પાકિસ્તાન સામેની 4 મેચમાં કુલ 62 રન બનાવ્યા છે.

વૈભવે શુભમન ગિલને પાછળ છોડી દીધો

પરંતુ આ ટૂંકી ઈનિંગ સાથે વૈભવ સૂર્યવંશીએ યુવા વનડેમાં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેનોના લિસ્ટમાં શુભમન ગિલ અને ઉન્મુક્ત ચંદને પાછળ છોડી દીધા. આ મેચ પહેલા વૈભવ યુવા વનડેમાં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેનોના લિસ્ટમાં છઠ્ઠા નંબરે હતો. પરંતુ પાકિસ્તાન સામેના 11 રન સાથે તેને ગિલ અને ઉન્મુક્ત ચંદ બંનેને પાછળ છોડી દીધા અને હવે તે ચોથા સ્થાને છે.

શુભમન ગિલે 16 યુવા વનડે મેચોમાં 1149 રન બનાવ્યા હતા, જ્યારે ઉન્મુક્તે 21 મેચોમાં એટલા જ રન બનાવ્યા હતા. આ દરમિયાન 14 વર્ષના વૈભવે અત્યાર સુધીમાં 23 યુવા વનડે મેચોમાં 1169* રન બનાવ્યા છે. આ દરમિયાન તેની એવરેજ 53.13 અને સ્ટ્રાઈક રેટ 158.61 છે.

આ પણ વાંચો: WPL 2026 Playoff: મુંબઈ ઈન્ડિયન્સ પાસે હજુ પણ એલિમિનેટર સુધી પહોંચવાની તક, જાણો કેવી રીતે


  • Follow us on: