ભારતના ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને સાઈડ સ્ટ્રેનના કારણે આગામી બુધવારથી શરૂ થનારી ન્યુઝીલેન્ડ સામેની 5 મેચની T20I સિરીઝમાંથી બહાર કરવામાં આવ્યો છે. 11 જાન્યુઆરીના રોજ વડોદરામાં ન્યુઝીલેન્ડ સામેની પહેલી વનડે દરમિયાન બોલિંગ કરતી વખતે વોશિંગ્ટનને ડાબી બાજુની પાંસળીમાં તકલીફ થઈ હતી. ત્યારબાદ તે ત્રણ મેચની વનડે સિરીઝમાંથી બહાર થઈ ગયો હતો.


T20 વર્લ્ડકપ રમવા અંગે સસ્પેન્સ

મીડિયા રિપોર્ટ મુજબ 26 વર્ષનો વોશિંગ્ટન આવતા અઠવાડિયે નાગપુરમાં શરૂ થનારી 5 મેચની T20 સિરીઝ માટે સમયસર સ્વસ્થ થઈ શકશે નહીં. BCCIના એક અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે "વોશિંગ્ટન સુંદરને સાઈડ સ્ટ્રેનને કારણે ન્યુઝીલેન્ડ સામેની T20 સિરીઝમાંથી બહાર કરવામાં આવ્યો છે."

વોશિંગ્ટનની ઈજા 7 ફેબ્રુઆરીથી શરૂ થનારા T20 વર્લ્ડકપમાં તેની ભાગીદારી અંગે શંકા ઉભી કરે છે. જો આવું થાય, તો ટીમ ઈન્ડિયાની ટીમમાં મોટો ફેરફાર થઈ શકે છે.

વડોદરા ODIમાં વોશિંગ્ટન સુંદરનું પ્રદર્શન

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સિરીઝની પહેલી ODI 11 જાન્યુઆરી 2026ના રોજ વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં રમાઈ હતી. વોશિંગ્ટન સુંદરે 5 ઓવર ફેંકી હતી, જેમાં 5.40 ના ઇકોનોમી રેટથી 27 રન આપ્યા હતા અને તે વિકેટ મેળવી શક્યો ન હતો. બેટિંગ કરતા તેને 7 બોલમાં 7 રન બનાવ્યા અને મેચના અંત સુધી મેદાનમાં રહ્યો. આ મેચ દરમિયાન તેને ઈજા થઈ હતી.

તિલક વર્મા પણ છે ઈજાગ્રસ્ત

તિલક વર્મા પણ ન્યુઝીલેન્ડ સામેની સિરીઝની પહેલી 3 T20 મેચોમાંથી બહાર છે કારણ કે તેને ગ્રોઈન ઈન્જરી થઈ હતી જેના માટે સર્જરીની જરૂર હતી. પરંતુ ભારત અને શ્રીલંકામાં યોજાનારા ICC T20 વર્લ્ડકપ સુધીમાં તે સ્વસ્થ થઈ જશે તેવી અપેક્ષા છે.

આ પણ વાંચો: Mohammad Sirajને મળી મોટી જવાબદારી, આ ટીમની કરશે કેપ્ટનશીપ


  • Follow us on: